ઘરેલુ હિંસા કાયદા હેઠળ પતિ પાસેથી ભરણપોષણ મેળવાવની કાનૂની લડત ચલાવતી પત્નીઓની તરફેણમાં એક મહત્વના ચુકાદામાં બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું છે કે મહિલા દ્વારા દાખલ કરાયેલા સોગંદનામાને પુરતો પુરાવો માનવામાં આવશે . એ માટે મહિલાએ પોતે કોર્ટમાં હાજર રહેવું પડશે નહીં.
કોર્ટે જોકે સોગંદનામાને આધારે તેની ઉલટતપાસ કરવાની પરવાનગી પતિને આપી શકે છે. ‘પ્રોટેક્શન ઓફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ ૨૦૦૫’ (ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ) હેઠળ અરજી કરનારી મહિલાને જ સોગંદનામા રૂપે પુરાવો નોંધાવવાની પરવાનગી છે કે નહીં એ સવાલ હાઈ કોર્ટ સમક્ષ હતો. પુણેમાં એક મેજિસ્ટ્રેટે આ રજૂઆતને પરવાનગી આપી હતી આને લીધે પતિએ હાઈ કોર્ટમાં ગયા વર્ષે પડકાર ફેંક્યો હતો. પતિ અને તેના વકિલ અભિજીત સરવતે મહિલાને સાક્ષીદારના કઠોડામાં હાજર કરવા માગતા હતા. તેમણે દાવો કર્યો હતો કે મૌખિક પુરાવાની જગ્યા સોગંદનામું લઈ શકે નહીં.
કાયદાનું અર્થઘટન કર્યા બાદ હાઈ કોર્ટે પત્નીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ન્યાયમૂર્તિ અનુજા પ્રભુદેસાઈએ ચુકાદામાં જણાવ્યું હતું કે ઘરેલુ હિંસા કાયદામાં ઝડપી નિકાલ માટે કોર્ટને પોતાની પદ્ધતિ અનુસરવાની છૂટ આપી છે. કોર્ટ પોતાની ઈચ્છા અનુસાર સોગંદનામા પર પુરાવા માગી શકે છે અને પુરાવાની સાતત્યતા ચકાસવા ઉલટતપાસની પરવાનગી આપી શકે છે, એમ તેમણે જણવાયું હતું.