ચાંદલોડિયા ઓવરબ્રિજની નીચે માથાભારે તત્વોના દબાણ વધ્યા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના ટીપી રસ્તા પરના દબાણને દૂર કરવા લાંબા સમયથી વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે. આના કારણે રસ્તા ખુલ્લા થવાથી નાગરિકોનો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે, પરંતુ શહેરમાં દબાણની સમસ્યા દિન-પ્રતિદિન ગંભીર બનતી જાય છે. શહેરના ચાંદલોડિયા ઓવરબ્રીજ નીચે માથાભારે તત્વોના દબાણના કારણે સ્થાનિક રહીશો ભારે ત્રાસી ગયા છે. સ્થાનિકોએ આ સમગ્ર મામલે ધારાસભ્ય અરવિંદ પટેલ સમક્ષ પણ ઉગ્ર રજૂઆત કરી હતી. શહેરના તમામ બ્રીજ નીચે આ પ્રકારના દબાણો હોવાછતાં હપ્તાખાઉ એસ્ટેટ વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી થતી નથી એ મતલબની ગંભીર ફરિયાદો પણ હવે ઉઠી રહી છે ત્યારે અમ્યુકો તંત્ર દ્વારા શું કાર્યવાહી કરાય છે તેની પર સૌની નજર મંડાઇ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માલિકીના પ્લોટ ઉપરાંત જે તે બ્રિજ નીચે દબાણ પણ તંત્ર માટે પડકારરૂપ બન્યા છે. ગેરકાયદે દબાણમાં અમુકવાર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામેલ હોવાના ગંભીર આક્ષેપ ઊઠે છે તો ક્યારેક ધારાસભ્ય પણ ગેરકાયદે દબાણ અંગે તંત્ર સમક્ષ ફરિયાદ કરે છે. તેમાં પણ શાસક પક્ષ ભાજપના ધારાસભ્ય દ્વારા સ્થાનિક રહેવાસીઓની ઉગ્ર રજૂઆતના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી સંકલન સમિતિની બેઠકમાં ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ નીચેના ગેરકાયદે દબાણ અંગે પ્રશ્ન ઉઠાવાતાં આ બાબત ચર્ચાસ્પદ બની છે. સાબરમતીના ધારાસભ્ય અરવિંદ પટેલના મતવિસ્તારમાં આવેલ ચાંદલોડિયા વોર્ડમાં ચાંદલોડિયાબ્રિજ નીચે ખોડિયાર ડેરી સામે આવેલા ભાગમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા બિનઅધિકૃત કબજો કરી દુકાનો બનાવી તેનું વેચાણ કરાઇ રહ્યું છે.

આ અંગે ચાંદલોડિયા વોર્ડના સ્થાનિક રહેવાસીઓએ ધારાસભ્ય અરવિંદ પટેલ સમક્ષ ઉગ્ર રજૂઆત કરતાં તેઓ પણ ચોંકી ગયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની જમીનમાં અસામાજિક ત¥વો કબજો કરીને ધોળે દિવસે દુકાન બનાવી તેનું બેધડકપણે વેચાણ કરે છે તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અગાઉના નવા પશ્ચિમ ઝોન અને હાલના ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. દરમ્યાનમાં જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ જમાલપુરબ્રિજ નીચેના દબાણનો પ્રશ્ન ચર્ચાયો હતો. તંત્ર દ્વારા શહેરના તમામ બ્રિજ નીચેના દબાણને દૂર કરવાની સંબંધિત ઝોનના એસ્ટેટ વિભાગને કડક તાકીદ કરાઇ હોવા છતાં આ મામલે હપ્તા ખાઉ એસ્ટેટ વિભાગ કોઇ જ કાર્યવાહી કરતું નથી. ટીપી રસ્તા પરના દબાણને હટાવવાનું અભિયાન પણ હાઇકોર્ટની લાલ આંખ થતાં જે તે ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરાઇ રહ્યું છે. બાકી ટીપી રસ્તા પરના દબાણ માટે આ વિભાગ જ મુખ્યત્વે જવાબદાર છે. આટઆટલી ફરિયાદો બાદ હવે અમ્યુકો તંત્ર દ્વારા શું કાર્યવાહી કરાય છે તે જાવાનું મહત્વનું બની રહેશે.

Share This Article