વન અને પર્યાવરણ તેમજ પ્રવાસનમંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલા મુ. દંતાલી ખાતે ‘ એક વૃક્ષ મા કે નામ ૨.૦’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ૨ લાખ ૧૧ હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ આનંદમ્ પરિવાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.
આ અંગે વાત કરતા આનંદમ્ પરિવારના અનિલ પટેલે કહ્યું કે ગાંધીનગર લોકસભા ભારતના સૌથી મજબૂત અને સંઘીય રીતે મહત્વના મત વિસ્તારોમાંનું એક છે. એટલું આ વિધાનસભા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિકાસની હરણફાળ સર્જી રહી છે. શ્રી અમિત ભાઈ શાહે વિકાસની સાથે સાથે ગાંધીનગર હરિયાળાપણું ધરાવતો એક દૃઢ વીઝન પણ આપ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, અમિત શાહના નેતૃત્વમાં શરૂ થયેલ ‘હરિયાળી લોકસભા-ગાંધીનગર લોકસભા’ અભિયાન અંતર્ગત તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત અમે એક પહેલનું આયોજન કર્યું છે. આ પહેલ હેઠળ ૨ લાખ ૧૧ હજાર વૃક્ષો વાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, સાંસદ મયંકભાઈ નાયક, સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, ધારાસભ્ય જયંતીભાઈ સોમાભાઈ પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત રાજ્ય તેમજ આનંદમ્ પરિવારના અનિલ પટેલ તેમજ નયના પટેલના સહયોગથી કરવામાં આવ્યું હતું.