અમદાવાદ : દાહોદના ઝાલોદ તાલુકાના ઉમરપાડા ગામે કોંગ્રેસના એજન્ટો અને ભાજપના સમર્થકો વચ્ચે આજે મતદાન દરમ્યાન જારદાર બબાલ થઈ હતી. ભાજપના સમર્થકો દ્વારા કોંગ્રેસના એજન્ટોને માર મારવાના આક્ષેપો થઇ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે મતદાન કેન્દ્ર પર કોંગ્રેસના એજન્ટોને જોઈ ભાજપના સમર્થકોએ અહીં કેમ કોંગ્રેસના એજન્ટ બની બેઠા છો તેમ કહી એક યુવક સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલીથી મામલો બિચકતા મારામારી શરૂ થઈ ગઈ હતી. ભાજપના સમર્થકો દ્વારા લાકડી અને ડંડા વડે કોંગ્રેસના સમર્થક યુવકને માર મારવામાં આવ્યો, જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
ગીર સોમનાથ જિલ્લાના બાનેજ ગામે માત્ર એક જ મતદાર માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ પ્રકારે મતદાન મથક ઉભુ કરાયું હતું. બાનેજ આશ્રમના ભરતસિંહ બાપુ દર ચૂંટણીમાં અચૂક મતદાન કરતા હોવાથી ચૂંટણી તંત્ર દ્વારા તેમના માટે વિશેષ મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું હતું. ભરતસિંહ બાપુએ મતદાન કરતાં આ મતદાનમથકમાં સો ટકા મતદાન નોંધાયું હતુ. ભરતસિંહ બાપુએ અન્ય મતદારોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી. જા કે, સમગ્ર રાજયમાં તેમનું મતદાન અને મતદાન મથકની વ્યવસ્થા ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા હતા.
રાજકોટમાં એક નવદંપત્તિએ લગ્નના ફેરા ફર્યા બાદ સીધા જ મતદાનમથકે પહોંચી મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. મતદાનમથક ખાતે અન્ય મતદારોમાં નવદંપત્તિ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને તેમણે લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી અન્ય મતદારોને પણ મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી હતી. તો, બીજીબાજુ, ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે પણ એક દુલ્હને લગ્ન પહેલાં મતદાનમથકે પહોંચી મતદાન કરી લોકશાહીના મહાપર્વની અનોખી ઉજવણી કરી હતી. દુલ્હનની મતદાન કરવાની ફરજને લઇ અન્ય મતદારોમાં પણ મતદાનની પ્રેરણા જાગી હતી. લોકશાહીના પર્વની આજની ઉજવણીમાં શતાયુ ઉમેદવારો, દિવ્યાંગ મતદારો, ટ્રાન્સજેન્ડર અને સિનિયર સીટીઝન તેમ જ મહિલા મતદારોએ ખૂબ મોટી સંખ્યામાં ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. ખાસ કરીને શતાયુ મતદારો અને દિવ્યાંગોએ શારીરિક અશકતતા અને અક્ષમતા વચ્ચે પણ મતદાન કરીને સામાન્ય મતદારોને મતદાનની અનોખી પ્રેરણા પૂરી પાડી હતી. તો, ટ્રાન્સજેન્ડરોનું મતદાન પણ પ્રેરણારૂપ બની રહ્યું હતું.