અલ્ટીમેટ ખો-ખો (યુકેકે)એ શુક્રવારે રાજસ્થાન અને ચેન્નઇ ટીમના માલીક તરીકે અનુક્રમે કેપરી અને કેએલઓ સ્પોર્ટ્સનું સ્વાગત કર્યું હતું. આ લીગની પ્રથમ આવૃત્તિ વર્ષ 2022માં શરૂ થવા માટે સજ્જ છે.
એલએલઓ સ્પોર્ટ્સની માલીકીની ટીમનું નામ ચેન્નઇ ક્વિક ગન્સ છે તથા કેપરી ગ્લોબલની રાજસ્થાન-સ્થિત ફ્રેન્ચાઇઝીનું નામકરણ બાકી છે.
રમત-ગમત પ્રેમી સંજય જુપુડી અને શ્રીનાથ ચિત્તૂરી કેએલઓ સ્પોર્ટ્સના સહ-માલીકો છે કે જેઓ ભારત અને વિદેશોમાં કન્સ્ટ્રક્શન, ઓટોમોબાઇલ અને આઇટી સેક્ટરમાં સફળ બિઝનેસમેન પણ છે.
આ પહેલાં અલ્ટીમેટ ખો-ખોએ અગ્રણી કોર્પોરેટ સમૂહ અદાણી ગ્રૂપ અને જીએમઆર ગ્રૂપને ગુજરાત અને તેલંગાણા ફ્રેન્ચાઇઝીના માલીક તરીકે જોડાણની જાહેરાત કરી હતી.
ડાબર ગ્રૂપના ચેરમેન અમિત બર્મન અને ખો-ખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી ભારતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ખો-ખો લીગને પ્રમોટ કરાઇ છે.
અલ્ટીમેટ ખો-ખોના સીઇઓ તેન્ઝિંગ નિયોગીએ જણાવ્યું હતું કે, પ્રતિષ્ઠિત કોર્પોરેટના નામ ધરાવતી લીગની યાદીમાં કેએલઓ સ્પોર્ટ્સ અને કેપરી ગ્લોબલનું સ્વાગત કરતાં ઉત્સાહિત છીએ. આ લીગ સાથે અમે ભારતમાં આધુનિક પ્રોફેશ્નલ સ્ટ્રક્ચર લાવવા માટે કટીબદ્ધ છીએ કે જે ખો-ખોને નવા ઉંચા સ્તરે લઇ જવાની સાથે-સાથે ચાહકોનો જબરદસ્ત આધાર પણ રચશે.
આધુનિક ટેક્નોલોજી સાથે કેએલઓ સ્પોર્ટ્સ તેમના અનુભવનો ઉપયોગ કરીને આ સ્વદેશી રમતને લોકોના ઘરો સુધી પહોંચાડવા માટે રોકાણ કરવાની પણ યોજના ધરાવે છે.
કેએલઓ સ્પોર્ટ્સના સહ-સ્થાપક અને કેન્ટેલીના સ્થાપક સંજય જુપુડીએ જણાવ્યું હતું કે, અમે ભારતમાં ખો-ખોને મુખ્યધારાની રમત બનાવવામાં મદદરૂપ બનવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. અમારું માનવું છે કે ફ્રેન્ચાઇઝીમાં જબરદસ્ત સંભાવનાઓ છે અને તે ભુલાઇ ગયેલી રમતને ફરીથી દરેક ઘરમાં લાવી શકે છે. પાયાના સ્તરે રોકાણ કરવા ઉપરાંત કેએલઓ સ્પોર્ટ્સ પ્લેટફોર્મની રચના કરવામાં પણ જંગી રોકાણ કરશે કે જે ચાહકોને જોડશે તથા તમામ સ્પોર્ટ્સ ફ્રેન્ચાઇઝી માટે રોલ મોડલ બનશે.
કેપરી ગ્લોબલ ગ્રૂપ અગ્રણી ફાઇનાન્સિયલ સર્વિસ કંપની છે.
અલ્ટીમેટ ખો-ખો સાથે જોડાણ અંગે વાત કરતાં કેપરી ગ્લોબલના મેનેજિંગ ડાયરેક્ટ રાજેશ શર્માએ જણાવ્યું હતું કે, અમે સ્વદેશી રમતને પ્રોત્સાહન આપતી એકંદર સ્પોર્ટ્સ ઇકો-સિસ્ટમનો હિસ્સો બનવા માગીએ છીએ તથા રમત-ગમત ક્ષેત્રે અગ્રણી દેશ બનવાની ભારતની સફરને સક્ષમ કરવામાં ભૂમિકા ભજવવા ઇચ્છીએ છીએ.
તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં ખો-ખો સૌથી સુગમ રમત પૈકીની એક છે અને મોટી સંખ્યામાં લોકો ખો-ખો રમે છે. અમારું લક્ષ્ય પાયાના સ્તરે તાલીમની સુવિધા પ્રદાન કરવાનું છે. અમે અલ્ટીમેટ ખો-ખો સાથે શરૂઆતથી જ જોડાણ કરવા અંગે ઉત્સાહિત છીએ. વ્યક્તિગતરૂપે હું રમત-ગમતમાં ખૂબજ ઉત્સાહ ધરાવું છે અને મારું માનવું છે કે ભારતમાં જબરદસ્ત પ્રતિભા છે, જેમને યોગ્ય રીતે ઉછેરવાની જરૂર છે.
રૂ. 5,400 કરોડનું કદ ધરાવતા કેપરી ગ્લોબલ ફાઇનાન્સ માર્કેટ, નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી), હાઉસિંગ ફાઇનાન્સ કંપની (એચએફસી)માં અગ્રણી છે. કેપરી ગ્લોબલ લિમિટેડ (સીજીસીએલ) બીએસઇ અને એનએસઇ ઉપર લિસ્ટેડ છે અને તે નિફ્ટી સ્મોલકેપ 250 ઇન્ડેક્સનો હિસ્સો પણ છે. તે એમએસએમઇ સેગમેન્ટ્સને સેવાઓ પ્રદાન કરે છે તેમજ 3,200થી વધુ કર્મચારીઓના આધાર સાથે દેશના 11 રાજ્યોમાં 117 બ્રાન્ચ ધરાવે છે.
કેપરી ગ્લોબલ ઇન્ટરનેશનલ લીગ ટી20 ટુર્નામેન્ટ (આઇએલટી20)માં પણ ફ્રેન્ચાઇઝી ધરાવે છે, જેને એમિરાટ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી), યુએઇ દ્વારા પ્રમોટ કરાઇ છે.
અલ્ટીમેટ ખો-ખોએ સોની નેટવર્ક ઇન્ડિયા (એસપીએનઆઇ)ને તેના બ્રોડકાસ્ટ પાર્ટનર બનાવ્યું છે, જેથી તેની સ્પોર્ટ્સ ચેનલ અને ઓટીટી પ્લેટફોર્મ સોનીલિવ ઉપર અંગ્રેજી અને બીજી પ્રાદેશિક ભાષાઓમાં લીગ પ્રસારિત થશે.