અમદાવાદ : શહેરી જમીન ટોચ મર્યાદા ધારો રદ થઇ ગયો હોવા છતાં સુરતના કતાર ગામના કેટલાક જમીનધારકોના કિસ્સામાં સુરતના એડિશનલ કલેકટર,યુએલસી દ્વારા તેમની જમીનના બિનખેતી, વેચાણ, તબદિલ, પ્લાન મંજૂર કરવા વગેરે સામે જારી કરાયેલો મનાઇહુકમ ગુજરાત હાઇકોર્ટના જÂસ્ટસ હર્ષાબહેન દેવાણીએ એક મહત્વના આદેશ મારફતે રદબાતલ ઠરાવ્યો છે. હાઇકોર્ટે સત્તાવાળાઓને અરજદાર જમીનધારકોની જમીનના કેસમાં એનએની પરવાનગી અંગે કાયદાનુસાર નિર્ણય લેવા પણ હુકમ કર્યો છે.
એટલું જ નહી, હાઇકોર્ટે પોતાના ચુકાદામાં મહત્વપૂર્ણ નોંધ કરતાં ઠરાવ્યું છે કે, એક વખતે યુએલસી એકટ (શહેરી જમીન ટોચ મર્યાદા ધારો) રદ થઇ ગયો પછી તે કાયદા હેઠળ જમીન સંચાલિત ના રહી શકે, તેથી એડિશનલ કલેકટરનો મનાઇહુકમ અયોગ્ય છે અને તેથી ટકવાપાત્ર નથી. સુરતના કતાર ગામના જમીનધારકો કાંતિભાઇ ગોવિંદભાઇ પટેલ તથા અન્યો દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં સિનિયર એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદારોએ કતાર ગામે મૂળ જમીનમાલિકો પાસેથી સર્વે નંબર-૨૯૨/૨ પૈકી ૭૨૫૨ ક્ષેત્રફળ ચો.મી ધરાવતી સહિતની સંબંધિત જમીનો ખરીદી હતી. જા કે, આ જમીનો એન.એ કરાવવા અરજદારોએ સુરત કલેકટરમાં અરજી કરી ત્યારે ખબર પડી કે, મૂળ જમીનમાલિકોએ જન્મના બોગસ પ્રમાણપત્રો રજૂ કરી તેના આધારે શહેરી જમીન ટોચ મર્યાદા ધારા હેઠળની કાર્યવાહીમાંથી ખોટા સીલીંગ યુનિટ મેળવી તત્કાલીન યુએલસી અધિકારી સમક્ષ આ જમીનો બિનફાજલ એટલે કે,મુકત જાહેર કરાવેલી હતી. પરંતુ અગાઉની હકીકતની જાણ અરજદારોને ના હતી.
અરજદારો આ કેસમાં બોનાફાઇડ પરચેઝર છે. પ્રસ્તુત જમીનોના કેસમાં સરકારના સત્તાવાળાઓ દ્વારા જે તે સમયે ફરિયાદ અને પોલીસ કાર્યવાહી પણ થઇ હતી અને બીજીબાજુ, આ કેસનો નિકાલ ના આવે ત્યાં સુધી ઉપરોકત જમીનના એનએ પરવાનગી, વેચાણ, તબદિલ, પ્લાન મંજૂર કરવા સહિતની બાબતો સામે સુરતના એડિશનલ કલેકટર, યુએલસીએ મનાઇહુકમ ફરમાવી દીધો હતો. અરજદારપક્ષ તરફથી સિનિયર એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદીએ કોર્ટનું ખાસ ધ્યાન દોર્યું કે, સને ૧૯૯૯માં જ શહેરી જમીન ટોચ મર્યાદા ધારો રદ થઇ ગયો છે અને તેથી તે અંતર્ગત કાર્યવાહી કરવાની એડિશનલ કલેકટરને કોઇ સત્તા જ નથી. તેમનો મનાઇહુકમ ગેરકાયદે, અયોગ્ય અને અસ્થાને હોઇ હાઇકોર્ટે તેને રદબાતલ ઠરાવવો જાઇએ અને અરજદારોને એન.એની પરમીશન આપવી જાઇએ.