યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કી પોતાના એક ફોટોશૂટ માટે ખુબ ટ્રોલ થઈ રહ્યા છે. એક મેગેઝિન માટે કરવામાં આવેલા ફોટોશૂટમાં યુદ્ધગ્રસ્ત દેશના રાષ્ટ્રપતિ પોતાની પત્ની સાથે પોઝ આપતા જોવા મળી રહ્યાં છે. ઝેલેન્સ્કીનો આ ફોટો સામે આવ્યા બાદ લોકો તેને ખુબ ટ્રોલ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા જાહેર યુદ્ધને કારણે યુક્રેન એક ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. ૨૪ ફેબ્રુઆરીએ પુતિને યુક્રેનમાં સૈન્ય હુમલાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદથી મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત થયા છે. પરંતુ યુદ્ધગ્રસ્ત યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી યુદ્ધ દરમિયાન દરેક મોર્ચા પર આગળ જોવા મળ્યા. ત્યાં સુધી કે તે સેના સાથે અગ્રિમ મોર્ચા પર પણ જોવા મળ્યા હતા.
રશિયાના મુકાબલે એક નાના દેશના નેતાના રૂપમાં ઝેલેન્સ્કીએની પ્રશંસા બીજા દેશોમાં પણ થઈ હતી. પરંતુ ૪ મહિનાના જંગ બાદ હવે ઝેલેન્સ્કીને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. કારણ વોગ મેગેઝિન માટે તેમનું ફોટોશૂટ છે. તે પોતાની પત્ની અને ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સ્કી સાથે વોગ મેગેઝિનના ડિજિટલ કવર પેજ માટે પોઝ આપતા જોવા મળી રહ્યાં છે. તસવીરો ઓનલાઇન વાયરલ થઈ ગઈ છે. તસવીરોમાં જોઈ શકાય છે કે ઝેલેન્સ્કી પોતાની પત્ની સાથે ખુરશી પર બેઠેલા છે અને ટેબલ પર એકબીજાનો હાથ પકડ્યો છે. અન્ય તસવીરમાં તે ગળે મળી રહ્યાં છે. સાથે એક બંકરનુમા મહેલમાં તેમણે ફોટો ક્લિક કરાવ્યો છે. આ સિવાય યુક્રેનમાં યુદ્ધની સ્થિતિને ઉજાગર કરવા માટે ઓલેનાએ ટેન્કરો અને સૈનિકોની પાસે પણ ફોટો ક્લિક કરાવ્યો છે. પરંતુ ફોટોશૂટની ઓનલાઇન ખુબ આલોચના થઈ રહી છે. એક યૂઝરે લખ્યું- મને વિશ્વાસ થઈ રહ્યો નથી કે ઝેલેન્સ્કી વોગ માટે ફોટોશૂટ કરી રહ્યાં છે, જ્યારે રશિયા તેમના દેશ પર બોમ્બનો વરસાદ કરી રહ્યું છે. આ મુર્ખતાપણું છે. એક અન્ય યૂઝરે કોમેન્ટ કરી, દેશ યુદ્ધનો સામનો કરી રહ્યો છે. ઝેલેન્સ્કી વિચારી રહ્યાં હશે કે- લગભગ મારી પત્ની સાથે વોગ ફોટોશૂટ કંઈક મદદ કરી શકે છે.