રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં નાટો દેશોમાં અમેરિકા યુક્રેનનો સૌથી મોટો સાથી રહ્યો છે. તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકાને લઈને મોટો દાવો કર્યો છે. સીએનએનના અહેવાલ મુજબ, ઝેલેન્સકીએ કહ્યું છે કે તેમને યુએસ તરફથી દ્વિપક્ષીય સમર્થન ગુમાવવાનો ડર છે. તેમણે કહ્યું કે રિપબ્લિકન પાર્ટી સાથે જોડાયેલા કેટલાક લોકોએ આવો સંદેશ આપ્યો છે. જો કે, ઝેલેન્સકીએ શનિવારે કિવમાં સ્પેનિશ મીડિયા સાથેની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે માઇક પેન્સ અમને મળ્યા છે, અને તેઓ યુક્રેનને સમર્થન આપે છે, સૌ પ્રથમ અમેરિકન તરીકે અને પછી રિપબ્લિકન તરીકે સમર્થન આપે છે. માઈક પેન્સ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટી તરફથી નોમિનેશન મેળવવાની કવાયતના ભાગરૂપે તેમણે બુધવારે પોતાનો પ્રચાર શરૂ કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે અમને દ્વિપક્ષીય સમર્થન છે. જો કે, યુક્રેન માટેના તેમના સમર્થનને લઈને તેમના વર્તુળમાં જુદા જુદા સંદેશાઓ છે. કેટલાક રિપબ્લિકન તરફથી એવા સંદેશા આવી રહ્યા છે કે સમર્થન ઘટી શકે છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે આગામી યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં કોણ જીતે તેની ચિંતા કર્યા વિના, યુક્રેન માટે દ્વિપક્ષીય સમર્થન જાળવી રાખવું એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. તે જ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ઝેલેન્સકીને પૂછવામાં આવ્યું કે શું તેમને તેમના જીવનનો ડર છે, જેના જવાબમાં તેમણે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિના આંતરરાષ્ટ્રીય વિરોધીઓની વધતી સંખ્યાને કારણે તેમને લાગે છે કે પુતિન માટે તે વધુ જોખમી છે. અલ જઝીરાએ અહેવાલ મુજબ, એક વરિષ્ઠ યુક્રેનિયન લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે, રશિયાએ ૧૨ દિવસના વિરામ પછી શનિવારે કિવ પર આખી રાત ડ્રોનથી હુમલો શરૂ કર્યો છે, હાલ સંભવિત જાનહાનિ અથવા નુકસાન વિશે કોઈ માહિતી નથી. યુક્રેનના અધિકારીઓએ દેશના પૂર્વ અને દક્ષિણમાં રશિયન ગોળીબારમાં વધુ નાગરિકોના મોતની જાણ કર્યાના એક દિવસ બાદ આ હુમલો થયો છે.