નવીદિલ્હી : આધાર કાર્ડની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદા બાદ ભારતીય ખાસ ઓળખ સત્તા (યુઆઈડીએઆઈ) ટેલિકોમ કંપનીઓ દ્વારા ઇકેવાયસી માટે તેના ઉપયોગને રોકવાના પ્રયાસ હાથ ધરવામાં આવી ચુક્યા છે. આમા દૂરસંચાર કંપનીઓને કેટલાક પ્રશ્નો કરવામાં આવ્યા છે. યુઆઈડીએઆઈ દ્વારા ટેલિકોમ કંપનીઓને કહ્યું છે કે, આધાર આધારિત ઇકેવાયસીને કઇરીતે રોકવામાં આવે તે અંગે કંપનીઓને પ્રશ્ન કરવામાં આવ્યો છે. આના જવાબમાં ટેલિકોમ કંપનીઓને ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે.
હવે મોબાઇલ સિમકાર્ડના મામલામાં આધાર કાર્ડ નંબરના ઉપયોગને કઇરીતે રોકવામાં આવશે તેવો પ્રશ્ન પણ કરવામાં આવ્યો છે. યુઆઈડીએઆઈ તરફથી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સને એક સરક્યુલર જારી કરીને આ સંદર્ભમાં કહેવામાં આવ્યું છે. જે કંપનીઓ પાસેથી જવાબની માંગ કરવામાં આવી છે તેમાં એરટેલ, રિલાયન્સ જીઓ, વોડાફોન, આઈડિયાની સાથે સાથે અન્ય કંપનીઓ પણ સામેલ છે. સરક્યુલરમાં લખવામાં આવ્યું છે કે, તમામ કંપનીઓને કહેવામાં આવે છે કે, સુપ્રીમના ચુકાદાને ધ્યાનમાં લઇને વહેલીતકે પગલા લેવામાં આવે.
કંપનીઓને ૧૫મી ઓક્ટોબર ૨૦૧૮ સુધી જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા આધારની કાયદેસરતા યથાવત રાખી હતી પરંતુ કેટલાક મામલામાં આધારની ફરજિયાત બાબતને ખતમ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, બેંક એકાઉન્ટ, મોબાઇલ સિમ, પ્રાઇવેટ સેક્ટર, સ્કુલ એડમિશન, નીટ, સીબીએસઈ, યુજીસી જેમાં આધાર ફરજિયાત રહેશે નહીં. જ્યારે આઈટી રિટર્ન, સરકારી સ્કીમો હેઠળ સબસિડી લેવા માટે આધાર જરૂરી રહેશે.