ગાંધીનગર : ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘ઉદગમ નવસંકલ્પ’ એકદિવસીય નવરાત્રી ઉત્સવનો આ વર્ષે અનોખો અને પ્રેરણાદાયક આયોજિત કાર્યક્રમ બન્યો. આ નવરાત્રીની થીમ ‘સ્વદેશી ને પ્રોત્સાહન’ પર આધારિત રહી હતી.
કાર્યક્રમ અંતર્ગત ‘સ્વદેશી હાટ’ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનો એ પોતપોતાના સ્વ-વ્યવસાયના સ્ટોલ્સ લગાવી ભારતીય હસ્તકલા, ઘરેલુ ઉત્પાદનો અને પરંપરાગત વસ્તુઓનું વેચાણ કર્યું હતું. આ પહેલ દ્વારા મહિલાઓમાં સ્વાવલંબન અને સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું હતું.
આ સાથે રંગોળી સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેની મુખ્ય થીમ પણ ‘સ્વદેશી’ રહી હતી. આ સ્પર્ધાઓમાં અનેક બાળકો, મહિલાઓ, યુવા કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં એક વિશેષ આકર્ષણ તરીકે ‘નવસંકલ્પ વૃક્ષ’ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સૌએ પોતાનો એક સંકલ્પ લખ્યો હતો — જે એકતા, સંકલ્પ અને સંસ્કારનું પ્રતીક બન્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ, મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ગૌરાંગભાઈ વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન જશવંતભાઈ પટેલ, મહાનગરપાલિકાના મહિલા અને બાળ વિભાગના ચેરમેન હેમાબેન ભટ્ટ, રાષ્ટ્રીય સંઘના જિલ્લા કાર્યવાહ પંકજભાઈ ચુડાસમા જગતભાઈ કારાણી મહેમાન તરીકે તેમજ વિવિધ સમાજ અને સંસ્થાના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનોએ ઉદગમ ટ્રસ્ટના પ્રયાસોને બિરદાવતાં કહ્યું કે ગરબાની સાથે રાષ્ટ્રભક્તિ સાથે આ પ્રકારના સ્વદેશી આધારિત કાર્યક્રમો મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવામાં અને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવામાં સહાયરૂપ બને છે.
આ કાર્યક્રમમાં 500 લોકોએ સ્વદેશી શપથ લીધા હતા, અંતે વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરી, ગરબા રમ્યા, સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી અને પ્રસાદી લઈને આનંદપૂર્વક છૂટા પડ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમને લોકપ્રશંસા મળી રહી છે.