મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના પદેથી રાજીનાામુ આપવાનું નક્કી કરી લીધું હતું. તેમણે બે વખત રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું પરંતુ બંને વખત મહાવિકાસ અઘાડી સરકારના ગઠબંધનના એક નેતાએ તેમને તેમ કરવાથી રોકી દીધા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે દિવસે એકનાથ શિંદે પોતાના સમર્થકો સાથે સુરત જતાં રહ્યા હતા તે દિવસે સાંજે પાંચ વાગ્યે ફેસબુક લાઈવમાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનું નક્કી કરી લીધું હતું. જોકે, મહાવિકાસ અઘાડી સરકારના એક મોટા નેતાના કહેવા પર તેમણે આ વાત પડતી મૂકી હતી. તેના કારણે જ ફેસબુક લાઈવમાં અડધા કલાકનો વિલંબ થયો હતો. બાદમાં ઉદ્ધવ ઠાકરેએ બીજા દિવસે સાંજે ૪ વાગ્યે પણ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું. તેના માટે જ તેમણે સચિવોની બેઠક બોલાવી હતી જેમાં તેઓ તેમનો આભાર વ્યક્ત કરી શકે. જોકે, મહાવિકાસ અઘાડી સરકારના એક મોટા નેતાને તેનો ખ્યાલ આવતા તેમણે ફરીથી તેમને સમજાવ્યા હતા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાથી રોકી લીધા હતા. જોકે, તેમણે એ જ દિવસે મુખ્યમંત્રી નિવાસ સ્થાન છોડી દીધું હતું અને પોતાના ઘર માતોશ્રી ખાતે જતા રહ્યા હતા.
નોંધનીય છે કે હાલમાં મહારાષ્ટ્રનું આ રાજકીય સંકટ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ડિસ્ક્વોલિફિકેશન નોટિસનો જવાબ આપવા માટે ૧૪ દિવસનો સમય આપ્યો છે. સોમવારે આ મામલે સુનાવણી કરતા સમયે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટિસ આપીને પાંચ દિવસમાં જવાબ માંગ્યો છે. કોર્ટ હવે આ મામલે ૧૧ જુલાઈએ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવાખોર ધારાસભ્યોની અરજીઓ પર સુનાવણી કરી રહી છે જે ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ દ્વારા તેમની અને અન્ય ૧૫ બળવાખોર ધારાસભ્યો સામે જારી કરાયેલ ગેરલાયકાતની નોટિસ સામે છે. કોર્ટ સમક્ષ તેમની અરજીમાં, એકનાથ શિંદેની આગેવાની હેઠળના ધારાસભ્યોના બળવાખોર છાવણીએ જણાવ્યું હતું કે તેઓ મહાવિકાસ અઘાડી સરકારને સમર્થન પાછું ખેંચી રહ્યા છે. આ સાથે એમવીએ સરકારે ગૃહમાં બહુમતી ગુમાવી દીધી છે કારણ કે શિવસેના વિધાનસભા પક્ષના ૩૮ સભ્યોએ રાજ્યમાં ત્રણ પક્ષીય ગઠબંધનમાંથી બહાર નીકળી ગયા છે.