ગાંધીનગર : કોંગ્રેસનો હાથ પકડે છે તેના શું હાલ થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ હોય તો તે ઉદ્ધવ ઠાકરેની શિવસેના છે. એક સમયે મહારાષ્ટ્રના રાજકારણનો સિંહ કહેવાતી શિવસેના આજે 2024ની ચૂંટણીના પરિણામમાં છેક છઠ્ઠા ક્રમે જોવા મળી રહી છે. અભિમાનભર્યુ વલણ તથા તળિયાના કાર્યકરોની નારાજગી શું પરિણામ લાવે તેનું ઉત્તમ ઉદાહરણ ઉદ્ધવ ઠાકરેની શિવસેના છે. બાલ ઠાકરેએ ઊભી કરેલી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો સિંહ એક સમયે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરજતો હતો. તેમા પણ ભાજપ સાથે ભગવી યુતિ કર્યા પછી તો શિવસેનાનો જાણે કેન્દ્ર સુધી પ્રભાવ હતો.
1995માં પહેલી જ વખત સત્તાનો સ્વાદ ચાખનારી શિવસેનાએ બાલ ઠાકરેની આગેવાની હેઠળ તેનો પ્રભાવ વિસ્તાર્યો હતો, પરંતુ બાલ ઠાકરેએ પુત્ર ઉદ્ધવને આગળ કરવાનું નક્કી કરતાં રાજ ઠાકરે નારાજ થયા હતા અને તેના પછી તે અલગ થઈ ગયા હતા. તેના પછી તે શિવસેનાની તાકાત પણ તેના પગલે અડધી થઈ ગઈ હતી. રાજઠાકરે ગયા પછી શિવસેના ભાજપની ટેકણલાકડી પર ટકી રહ્યુ હતુ, હવે ઉદ્ધવ ઠાકરેએ મોદીનો ચઢતો સૂરજ છે ત્યારે તેની હિંદુત્વની બધી થિયરી પડતી મૂકીને સત્તા માટે કોંગ્રેસનો દામન ઝાલ્યો ત્યારે તે પોતાના શિવસૈનિકોમાં જ અળખામણા બની ગયા હતા. કોંગ્રેસે શિવસેનાને કોરાણે કરવા માંડતા છેવટે ગિન્નાયેલા શિવસૈનિકોએ એકનાથ શિંદેની આગેવાની હેઠળ બળવો કર્યો હતો અને શિવસેનાના 56માંથી 38 સભ્યો શિંદે પાસે જતાં રહ્યા હતા. 2024ની ચૂંટણીના પરિણામ બતાવે છે કે રાજકીય વર્તારો ઝાંકવામાં ઉદ્ધવ કરતાં એકનાથ શિંદે વધુ શાણા પુરવાર થયા છે.