સુરતઃ– ‘ઉડે દેશ કા આમ આદમી’-ઉડાન યોજના અંતર્ગત આજરોજ અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી સુરતની વિમાની સેવા ઉડ્ડયનમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી. જે અંતર્ગત ચુડાસમા આજરોજ અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી સુરત વિમાન મારફતે આવી પહોચ્યા હતા.
સુરત એરપોર્ટ ખાતે મીડિયાને સંબોધન કરતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, દેશનો આમ આદમી પણ હવાઇ સફર કરી શકે તે માટે ઉડાન-‘ઉડે દેશ કા આમ આદમી’ ના ધ્યેય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આ યોજના પ્રારંભ કરાઈ છે. વિમાની પ્રવાસ એ આમ આદમીનું સ્વપ્ન હોય છે.
રાજ્યનો આમ નાગરિક સસ્તા દરે હવાઇ પ્રવાસ કરી શકે તે આ સરકારનું ધ્યેય હોવાનું જણાવતા ચુડાસમાએ કહ્યું કે, ગુજરાત સરકાર, સિવિલ એવિએશન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે પ્રાદેશિક સ્તરે હવાઈ સુવિધાઓ પૂરી પાડવા માટે ત્રિપક્ષી કરાર થયા છે. આવા કરાર કરનારા રાજ્યો પૈકી ગુજરાત પણ એક છે. જનધન યોજના દ્વારા સામાન્ય માનવીઓને બેન્કિંગ સેવામાં ભાગીદાર બનાવ્યા છે, તેવી જ રીતે નાનામાં નાનો માણસ સસ્તી વિમાની યોજનાનો લાભ લે તે માટે આ સેવા શરૂ કરવામાં આવી છે.
ભારત સરકારના ‘ઉડાન’ના મહત્વાકાંક્ષી કદમ દ્વારા નાગરિકોને સસ્તી અને વ્યાજબી હવાઈ સેવા પૂરી પાડવા રાજ્ય સરકાર પણ સહયોગી બની છે, ત્યારે આ યોજનાથી વડાપ્રધાને સેવેલું સપનું પણ પરિપૂર્ણ થશે તેમ પણ ઉડ્ડયનમંત્રીએ ઉમેર્યું હતું.
ચુડાસમાએ આજરોજ અમદાવાદથી ભાવનગર ૨૫ મિનિટ અને ભાવનગરથી સુરત આવતા ૨૦ મિનિટનો સમય થયો હોવાનું જણાવી આર્થિક રીતે પોષાય તેવા દરે ઉપલભ આ વિમાની સેવા-‘ઉડાન’થી વેપાર ઉદ્યોગ, ધાર્મિક સ્થળોની મુલાકાત, આરોગ્ય વિષયક સુવિધાઓ ઉભી થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
એવિએશન સેક્ટરને પ્રોત્સાહન આપતી ઉડાના યોજનાનો હેતુ દેશના ખૂણે ખૂણે એર કનેક્ટિવિટી વધારવાનો છે. જેમાં ન વપરાયેલી એર સ્ટ્રીપ્સનો ઉપયોગ કરીને સામાન્ય માનવી પણ હવાઈ મુસાફરી કરી શકે તે દિશામાં ઉડ્ડયન મંત્રાલયે આ યોજના અમલી બનાવી છે. ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ(GECL), મોનાર્ક ગૃપ અને એર ડેક્કનના સંયુક્ત સાહસ એવી એર ઓડિશાએ ભારત સરકારની ઉડાન યોજના અંતર્ગત પહેલાં તબક્કામાં મોટી સંખ્યામાં રૂટ્સ પ્રાપ્ત કર્યા છે.
રિજ્યોનલ કનેક્ટીવિટી સ્કીમ– ઉડાનમાં દેશના ૧૯ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોને લાભ મળી રહ્યો છે. આ યોજના અંતર્ગત ગુજરાતના ૧૦ એરપોર્ટ સહિત દેશના ૪૦૦ એરપોર્ટને જોડીને એર કનેક્ટીવિટી વધારવાનો લક્ષ્યાંક છે. એર ઇન્ડિયા અને તેની સહાયક એરલાઇન સંબંધિત સેવાઓ, સ્પાઇસજેટ, એર ડેક્કન, એર ઓડિશા અને ટર્બો મેઘા આ પાંચ એરલાઇન ઓપરેટર ૧૯ થી ૭૮ સીટવાળા પ્લેન ચલાવશે.