નવી દિલ્હી: પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં ઘુસીને જાબાંજ ભારતીય સેનાના જવાનોએ સર્જિકલ હુમલો કર્યાના બે વર્ષ પૂર્ણ થતા આજે આ સર્જિકલ હુમલાની યાદ તાજી થઇ હતી. આજના દિવસે જ ભારતીય સેનાએ પાકમાં ઘુસીને ત્રાસવાદીઓ અને તેમના અડ્ડાઓને ફુંકી માર્યા હતા. આની સાથે જ ભારતે દુનિયાભરમાં પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો.
ગયા વર્ષે ૨૮મી અને ૨૯મી સપ્ટેમ્બરના દિવસે રાત્રે સર્જિકલ હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં પાકિસ્તાનમાં રહેલા ત્રાસવાદીઓના લોન્ચિંગ પેડ ફુંકી મારવામાં આવ્યા હતા. આ સમગ્ર ઓપરેશન રાત્રી ગાળામાં જ માત્ર પાંચ કલાક સુધી જ ચાલ્યુ હતુ. ભારતીય સેનાના ઇતિહાસમાં સૌથી સફળ લશ્કરી ઓપરેશન પૈકી એક તરીકે આને ગણવામાં આવે છે. આ ઓપરેશનના ભાગરૂપે ભારતીય સેનાએ મોટી સંખ્યામાં ત્રાસવાદીઓને ફુંકી માર્યા હતા અને તેમના અડ્ડા અને લોન્ચિંગ પેડને નુકસાન કરવામાં આવ્યુ હતુ. પાકિસ્તાની ત્રાસવાદીઓ અને પાકિસ્તાનની જવાનોને આ સર્જિકલ હુમલાની જાણ પણ ન થઇ તેટલી સફળ રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતુ. આ ઓપરેશન પાર પાડીને ભારતીય સેનાએ તેની તાકાત અને કુશળતા દર્શાવી હતી.
ભારતમાં મોટા ત્રાસવાદી હુમલા કરવાની તૈયારીમાં રહેલા તમામ ત્રાસવાદીઓને ફુંકી મારવામાં આવ્યા હતા. આ સર્જિકલ સ્ટ્રાઇક મારફતે ભારતે ઉરીમાં સેના પર કરવામાં આવેલા હુમલાનો બદલો પણ લઇ લીધો હતો. ઉરી ત્રાસવાદી હુમલામાં ૧૭ જવાનો શહીદ થયા હતા. સેના પર હુમલો કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં કાર્યવાહી કરવા માટેની માંગ લોકો કરી રહ્યા હતા. લોકોમાં વ્યાપક આક્રોશ પણ હતો.
૨૯મી સપ્ટેમ્બરના દિવસે જીડીએમઓ લેફ્ટી. જનરલ રણબીર સિંહે જાહેરાત કરી હતી કે ભારતે અંકુશ રેખા પાર કરીને ત્રાસવાદીઓના લોન્ચિંગ પેડને ફુંકી માર્યા છે. તેમની આ જાહેરાતના કારણે કરોડો ભારતીય લોકોમાં એક નવો ઉત્સાહ આવી ગયો હતો. ભારતીય જવાનોના સાહસની પ્રશંસા શરૂ થઇ ગઇ હતી. તેમણે એ વખતે એવી જાહેરાત પણ કરી હતી કે ભારતીય સેનાએ સફળ રીતે સર્જિકલ હુમલા કરીને ત્રાસવાદીઓને મરણતોળ ફટકો આપી દીધો છે.
આ સર્જિકલ હુમલા ભારતે ચોક્ક્સ માહિતી મળ્યા બાદ ખુબ સાવધાનીપૂર્વક હાથ ધર્યા હતા. દુશ્મનના ઘરમાં જ ઘુસીને તેને મારી નાંખવાની બાબત સરળ ન હતી. ભારતમાં ઘુસણખોરી કરવા માટે મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ તૈયાર છે અને ચોક્કસ જગ્યાએ એકત્રિત થયા છે. તેવી બાતમી મળ્યા બાદ સમગ્ર ઓપરેશન મોડી રાત્રે શરૂ થયુ હતુ. રાત્રે ૧૨-૩૦ વાગે આ ઓપરેશન શરૂ થયા બાદ વહેલી પરોઢે ૪.૩૦ વાગ્યા સુધી આ ઓપરેશન ચાલ્યુ હતુ. અંકુશ રેખામાં પાકિસ્તાની પ્રદેશમાં ત્રણ કિલોમીટર સુધી ઘુસીને ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. એએલએચ ધ્રુવ હેલિકોપ્ટરો મારફતે પાકિસ્તાની પ્રદેશમાં આર્મીના સ્પેશિયલ કમાન્ડોને ઉતારી દેવામાં આવ્યા હતા. આ કમાન્ડોએ કલાકાના ગાળામાં જ ત્રાસવાદીઓનો સફાયો કર્યો હતો. મોડેથી સર્જિકલ સ્ટ્રાઇક પર એક પુસ્તક રજૂ કરવામાં આવ્યુ હતુ. જેમાં દિલધડક ઓપરેશન અંગે પુરતી વિગત આપવામાં આવી હતી.
મિશનનુ નેતૃત્વ કરનાર આર્મી મેજરે મોડેથી કહ્યુ હતુ કે ઓપરેશનને સફળ રીતે પાર પાડ્યા બાદ પરત ફરી રહ્યા હતા ત્યારે સૌથી મુશ્કેલ સર્જાઇ હતી. સર્જિકલ સ્ટ્રાઇક કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સૈનિકો સાવધાન થઇ ગયા હતા અને અમારા પર અંધાધુંધ ગોળીબાર કરી રહ્યા હતા. અમારા કાનની પાસેથી ગોળીઓ નિકળી રહી હતી. આ ઓપરેશન પર દિલ્હીથી એ વખતના સંરક્ષણ પ્રધાન મનોહર પારિકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ અને તત્કાલીન આર્મી વડા દલબીર સિંહ નજર રાખી રહ્યા હતા.