ટીમ ઇન્ડિયાના કોચ બનવા બે વર્ષનો અનુભવ જરૂરી છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કિન્ટ્રોલ બોર્ડે નવા કોચ માટેની તૈયારી કરી લીધી છે. આના માટે કેટલીક શરતો પણ લાગૂ કરી દીધી છે. ભારતના આગામી મુખ્ય કોચની વય ૬૦ વર્ષથી નીચેની હોવી જોઇએ. સાથે સાથે બે વર્ષના આંતરરાષ્ટ્રીય અનુભવની પણ જવાબદારી હોવી જોઇએ. ક્રિકેટ બોર્ડે આજે ભારતીય ટીમના મુખ્ય કોચ સહિત સહયોગી સ્ટાફની નિમણૂંક માટે અરજી આમંત્રિત કરી હતી. યોગ્યતાના માપદંડ મુજબ મુખ્ય કોચની વય ૬૦ વર્ષથી નીચે હોવી જોઇએ. સાથે સાથે બે વર્ષનો અનુભવ હોવો જોઇએ. બીસીસીઆઈએ સહયોગી સ્ટાફની નિમણૂંકની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

બોર્ડે મુખ્ય કોચ ઉપરાંત બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડિંગ કોચ. ફિઝિયોથેરાપિસ્ટ, સ્ટ્રેન્થ અને વહીવટી મેનેજરની નિમણૂંક કરનાર છે. આ તમામ કોચ માટે અરજી કરવાની અંતિમ તારીખ ૩૦મી જુલાઈ સાંજે પાંચ વાગ્યા સુધી રાખવામાં આવી છે. જુલાઈ ૨૦૧૭માં રવિ શાસ્ત્રીને મુખ્ય કોચ તરીકેની જવાબદારી આપતા પહેલા બીસીસીઆઈએ નવ મુદ્દા સાથે લાયક ઉમેદવાર માટે દિશાનિર્દેશ આપ્યા હતા જેમાં અનેક બાબતો સ્પષ્ટ કરવામાં આવી ન હતી. આ વખતે મુખ્ય કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ અને ફિલ્ડિંગ કોચ માટે ત્રણ મુદ્દાઓને સામેલ કરવામાં આવ્યા છે. બીસીસીઆઈ દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ટીમ ઇન્ડિયાના વર્તમાન કોચિંગ સ્ટાફની નિમણૂંકની પ્રક્રિયામાં સમય લાગશે. મુખ્ય કોચને ટેસ્ટ રમનાર દેશને ઓછામાં ઓછા બે વર્ષ કોચિંગનો અનુભવ હોવો જોઇએ. એસોસિએટ્‌સ સભ્ય, એ ટીમ, આઈપીએલ ટીમને ત્રણ વર્ષમાં કોચિંગનો અનુભવ હોવો જોઇએ.

સાથે સાથે આવેદકને ૩૦ ટેસ્ટ મેચ અથવા ૫૦ વનડે મેચનો અનુભવ હોવો જોઇએ. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ માટે લાયકાતના નિયમ એક સમાન રાખવામાં આવ્યા છે. આ ત્રણ પોસ્ટના આવેદકોને ઓછામાં ઓછી ૧૦ ટેસ્ટ મેચ અને ૨૫ વનડે મેચોનો અનુભવ હોવો જોઇએ. ભારતીય ટીમ ત્રીજી ઓગસ્ટથી ત્રીજી સપ્ટેમ્બર સુધી વેસ્ટઇન્ડિઝના પ્રવાસે જશે. વેસ્ટઇન્ડિઝના પ્રવાસને ધ્યાનમાં લઇને રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, બેટિંગ કોચ સંજય બાંગર અને ફિલ્ડિંગ કોચ શ્રીધરના કરારને વિશ્વકપ બાદ ૪૫ દિવસ માટે વધારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ લોકો ફરીવાર પણ અરજી કરી શકે છે પરંતુ ટીમના નવા ટ્રેનર અને ફિઝિયો મળવાની બાબત નિશ્ચિત દેખાઈ રહી છે.  કારણ કે, વિશ્વકપ સેમિફાઇનલમાં ભારતની હાર બાદ શંકર બસુ અને પેટ્રિક ફરહાર્ટને અલગ કરી દેવામાં આવ્યા છે. વેસ્ટઇન્ડિઝના પ્રવાસ બાદ ભારતીય ટીમ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે રમશે. શાસ્ત્રીને અનિલ કુંબલેનો વિવાદાસ્પદ ગાળો પૂર્ણ થયા બાદ કોચ બનાવવામાં આવ્યો હતો. ૨૦૧૭માં શાસ્ત્રી મુખ્ય કોચ બન્યા હતા. શાસ્ત્રી ઓગસ્ટ ૨૦૧૪થી જૂન ૨૦૧૬ સુધી ભારતીય ટીમના નિર્દેશક તરીકે પણ રહ્યા છે. ભારતે તેના કોચ રહેવાના ગાળા દરમિયાન કોઇ મોટી ટુર્નામેન્ટ જીતી નથી.

Share This Article