બીલીમોરા નજીકના ધોલાઈ મરીન પોલીસની બે દિવસીય દરિયાઈ સુરક્ષાને લઇ બીલીમોરા ધોલાઈ બંદરે સાગર સુરક્ષા કવચ અંતર્ગત દરિયાઈ ગતિવિધિઓ પર નજર રાખવા અને દરિયાઈ ગામોમાં સુરક્ષાને લઈ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં આઈબીના ઇનપુટને પગલે એકે-૪૭ અને આરડીએક્સના જથ્થા સાથે બે આતંકવાદી ઝડપાતા ચકચાર મચી હતી. જોકે બાદમાં મોકડ્રિલ હોવાનું ખુલતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
દરિયાઈ સુરક્ષાને ચકાસવા અર્થે વખતોવખત દરિયાઈ સાગર સુરક્ષા કવચ હેઠળ દરિયાઈ સુરક્ષાની ચકાસણી હાથ ધરે છે. દરમિયાન સાંજે દરિયામાંથી બોટમાં સવાર બે આતંકી આવ્યા હોવાના ઇનપુટ આઈબીને મળ્યા હતા. આ સાથે જિલ્લા એસઓજી અને સ્થાનિક પોલીસ હરક્તમાં આવી હતી. જ્યાં એકે-૪૭ રાઇફલ, આરડીએક્ષના જથ્થા સાથે સજ્જ થઈ આવેલા બંને આંતકવાદીને સુરક્ષા જવાનોએ ઝડપી પાડ્યા હતા. ગણદેવી તાલુકામાં ધોલાઈ બંદર સહિત કાંઠા વિસ્તારમાં મેંધર, ભાટ, બીગરી, પોંસરી, છાપર કલમઠા, અમલસાડ, માસા, મોવાસા, વાડી કોથા જેવા અનેક ગામો આવેલા છે. બીલીમોરા નજીકના દરિયાઈ કિનારે આવેલા ગામો ધોલાઈ બંદરે, મેંધર ભાટ જેવા દરિયાઈ પટ્ટીના ગામોમાં સઘન ચેકિંગ હાથ ધરાયુ હતું. ધોલાઈ મરીનના પોલીસ જવાનો સાથે લેન્ડિંગ પોઇન્ટ, અવાવરું જગ્યા, ખાંજણ વિસ્તાર, શંકાસ્પદ હિલચાલ ઉપર નજર રાખી સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. આ ઘટના સાગર સુરક્ષા કવચ અંતર્ગત કરવામાં આવતું મોકડ્રીલ હોવાનું ખુલતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
જિલ્લા પોલીસની વિવિધ ટીમો, સ્થાનિક પોલીસ, આઈબી, સહિત વિવિધ એજેન્સીઓએ સંકલન થકી મિશન પાર પાડ્યું હતું. ગુજરાતના વિશાળ દરિયાઈ સીમાનો કોઈ આતંકીઓ દુરુપયોગ ના કરે અને કોઈ નશીલા પદાર્થોની તસ્કરી નહીં થાય તે સાથે દરિયાઈ ગુનાખોરી ડામવા માટે વખતોવખત આવી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા સુરક્ષા એજન્સીઓ સમયાંતરે સાગર સુરક્ષા કવચ હાથ ધરાતું હોય છે.