નવી દિલ્હીઃ ઉત્તર કાશ્મીરના કુપવારાના તંગધારમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામના ભંગ બાદ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. કેટલાક ઘાયલ પણ થયા છે. ભારતે જોરદાર રીતે કાર્યવાહી કરી હતી.
પાકિસ્તાની સેનાએ કોઇ પણ ઉશ્કેરણીવગર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સેના ત્રાસવાદીઓને ઘુસાડી દેવા માટે ગોળીબાર કરી રહી છે. તંગધાર સેક્ટરમાં પાકિસ્તાની સેના દ્વારા ઘુસણખોરોને ઘુસાડવાના હેતુસર બિન-ઉશ્કેરણીજનક રીતે ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્રાસવાદીઓની વારંવાર થઇ રહેલી ઘુસણખોરીને રોકવા માટે જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનો ભંગ કરી ત્રાસવાદીઓને ભારતીય સરહદમાં ઘુસાડવાના પ્રયાસો જારી રાખવામાં આવ્યા છે.
દરમિયાન ઉરી સેક્ટરમાં થયેલા એક વિસ્ફોટમાં ચાર ગઢવાલ રાયફલના કુલદીપસિંહ રાવતનું મોત થયું છે. તે પહેલા સાતમી ઓગષ્ટના દિવસે પણ પાકિસ્તાની આવુ જ કૃત્ય કર્યુ હતુ. સાતમી ઓગષ્ટના દિવસે જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓની ઘુસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો હતો. જો કે આમાં ભારતીય સેનાને પણ ભારે નુકસાન થયુ હતુ. સેનાએ મેજર સહિત ચાર જવાન ગુમાવી દીધા હતા. ચાર જવાન શહીદ થતા દેશમાં આક્રોશનુ મોજુ ફરી વળ્યુ હતુ. જો કે બે ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાનથી આ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરી રહ્યા હતા. ઉત્તરીય કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં સેનાના મેજર સહિત ચાર જવાન શહીદ થયા હતા. મોટી ઘુસણખોરી થઇ હોવાના હેવાલ બાદ હાઇ એલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે ત્રીજી ઓગષ્ટે મોડી રાત્રે જમ્મુકાશ્મીરના શોપિયનમાં ભારતીય સેનાને મોટી સફળતા હાથ લાગી હતી. એ વખતે સેનાએ એક મોટી કાર્યવાહીને અંજામ આપીને પાંચ કુખ્યાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઠાર કરી દેવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અંકુશ રેખા પર પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવ્યા બાદ જવાબી કાર્યવાહી કરવામાં આવ્યા બાદ થોડાક સમય સુધી સામ સામે ગોળીબારની રમઝટ જામી હતી.
(ફાઇલ ફોટો)