અમદાવાદ : સાબરકાંઠાના ઢુંઢર ગામે બાળકી પર પરપ્રાંતીય યુવક દ્વારા કરાયેલા દુષ્કર્મ બાદ અમદાવાદ જિલ્લામાં પરપ્રાંતીયોને કાઢી મૂકવા માટે સોશિયલ મીડિયા પર મેસેજ અને કંપનીઓમાં જઈ ધમકી આપવામાં આવતી હતી. જે મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા અગાઉ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર તેમજ ટોળા સામે ગુના નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આજે મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે વધુ બે ગુના દાખલ કરી કુલ ૧૨ શખ્સોની ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. બીજીબાજુ, ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી હોવાથી ગ્રામ્ય પોલીસે સમગ્ર પંથકમાં પેટ્રોલીંગ અને તપાસનો દોર તેજ બનાવ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ જિલ્લાના બગોદરા ગામમાં રહેતા જિજ્ઞેશ જાદવ, સુરેશ રાવલ, જગમાલ ઠાકોર સહિતના લોકોએ જય ગજાનંદ નામના એક વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ ફરતો કર્યો હતો, જેમાં લખ્યું હતું કે ધોળી ગામ જીઆઈડીસીમાં એક હજાર કદવાઓને બહાર કાઢો તો એક હજાર ગુજરાતીના છોકરા નોકરીએ લાગી જાય. આવો મેસેજ વાઈરલ કરવામાં આવ્યો હતો. જે બાબતે બગોદરા પોલીસને જાણ થતાં પોલીસે તપાસ કરી હતી અને કુલ છ શખ્સને સોશિયલ મીડિયામાં આવા વર્ગ વિગ્રહ ફેલાય તેવા ઉશ્કેરણીજનક મેસેજ ફોરવર્ડ કરતાં તેઓની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી.
ઉપરાંત સોશિયલ મીડિયામાં પરપ્રાંતીયને નોકરીમાંથી કાઢી મૂકવા અને ભગાડવા માટેના મેસેજ તેમજ વીડિયો સંદર્ભે બાવળા પોલીસને એક વીડિયો મળ્યો હતો, જેમાં ૨૦થી ૨૫ લોકોનું ટોળું લાકડી અને હથિયારો સાથે એક ફેક્ટરી પર જઈ મજૂરોને ધાક-ધમકીઓ આપી ફેકટરી છોડી દેવા ધમકી આપતા હતા. બાવળા પોલીસે તપાસ કરતાં રાણેસર ગામની સીમમાં આવેલ અગ્રવાલ ટીએમટી ઈન્ડસ્ટ્રીઝની નામની કંપનીનો વીડિયો હોવાનું સામે આવ્યું હતું. ત્યાં જઈ પોલીસે ફેક્ટરીના અધિકારીઓ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે, તા.૬ ઓક્ટોબરના રોજ રાણેસર ગામમાં રહેતા ચેહુભાઈ કોળી પટેલની આગેવાનીમાં ૨૦થી ૨૫ લોકોનું ટોળું કંપનીમાં આવ્યું હતું અને હાજર સ્ટાફને ગાળાગાળી કરી ફેક્ટરી છોડી જવા ધમકી આપી હતી. ગ્રામ્ય પોલીસે નક્કર પુરાવા એકત્ર કરી આ સમગ્ર મામલે બે ગુના દાખલ કરી ૧૨ આરોપીઓની ધરપકડ કરી સપાટો બોલાવ્યો હતો.