અમદાવાદ : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લીમડા ગામના તળાવમાં કાર ખાબકતા બે સગા ભાઇઓના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતા. બંને ભાઇઓ પૈકી મોટાભાઇના તા.૧૯ મી મેના રોજ લગ્ન થવાના હતા. જેને પગલે લીમડા ગામમાં શોકનો માતમ પથરાયો હતો. પરિવારમાં તો બે સગા ભાઇઓના કરૂણ મોતને પગલે આઘાતનું આભ જાણે તૂટી પડયું હતું. ઉત્તરપ્રદેશના વતની બંને યુવાનો લીમડા ગામમાં રહેતા હતા અને પાણીપૂરીનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવતા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લીમડા ગામમાં રહેતા વિરેન્દ્ર મહેન્દ્રભાઇ વર્મા(ઉ.વ.૨૦) અને ગોવિંદા મહેન્દ્ર વર્મા (ઉ.વ.૧૭) નામના બે સગા ભાઇઓ આજે સ્વિફ્ટ ડિઝાયર કાર લઇને કામ માટે નીકળ્યા હતા. લીમડા ગામના તળાવ પાસેથી તેઓ પસાર થઇ રહ્યા હતા. તે સમયે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર તળાવમાં ખાબકી હતી. તળાવમાં ખાબકતા જ કાર ઉંડા પાણીમાં ગરક થઇ ગઇ હતી. આ બનાવની જાણ ગામના ગામ લોકો અને તરવૈયાઓ આવ્યા હતા. તરવૈયાઓએ કાર સાથે તળાવમાં ડૂબેલા યુવાનોને કારનો દરવાજો તોડી બહાર કાઢ્યા હતા.
જો કે, પાણીમાં ડૂબી જવાના કારણે બંને ભાઇઓના કરૂણ મોત નીપજયા હતા. બીજી બાજુ આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક બંને ભાઇઓ પૈકી વિરેન્દ્ર મહેન્દ્રભાઇ વર્માના તો, આગામી તા.૧૯ મે, ૨૦૧૯ના રોજ લગ્ન થવાના હતા. જેથી ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલતી હતી અને તેમાં બંને ભાઇઓના મોતથી ઘરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતક વિરેન્દ્ર અને ગોવિંદના પિતા મહેન્દ્રભાઇ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.