નવી દિલ્હી : આર્થિક મંદી અને વધતી જતી બેરોજગારી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નેતૃત્વ હેઠળ બે નવી કેબિનેટ કમિટીની રચના કરી હતી. આર્થિક વિકાસને વધારવા, મુડી રોકાણને વધારવા અને રોજગારીને વધારાવાના હેતુસર આ બે નવી કમિટીની રચના કરવામાં આવી છે. મુડી રોકાણ અને વિકાસ અંગેની પાંચ સભ્યોની નવી કમિટીમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણાંમંત્રી નિર્મલા સીતારામન, માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલનો સમાવેશ થાય છે. આવી જ રીતે રોજગાર અને Âસ્કલ ડેવલપમેન્ટ અંગેની દસ સભ્યોની કેબિનેટ સમિટીમાં અમિત શાહ, નિર્મલા સીતારામન, ગોયલ, કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, મંત્રી મહેન્દ્રનાથ પાંડે, મંત્રી સતોષ કુમાર ગંગવાર, આવાસ અને શહેરી વિકાસ પ્રધાન હરદીપ સિંહ પુરીનો સમાવેશ થાય છે.
આવી જ રીતે અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવા માટે મોદીએ જારદાર તૈયારી કરી છે. નવી સરકાર માટે ચિંતાજનક બાબત વિકાસને લઈને રહેલી છે. કારણ કે, જીડીપીનો દર માર્ચ મહિનામાં ઘટીને ૫.૮ ટકા થઈ ગયો છે. છેલ્લા નાણાંકીય વર્ષમાં એકંદરે જીડીપીનો દર ૭.૨ ટકાના ટાર્ગેટ સામે ૬.૮ ટકા રહ્યો હતો. આવી સ્થિતિમાં અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવા ભારત સામે પડકાર રહેલા છે. બેરોજગારીનો દર પણ ૪૫ વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જારદાર સપાટો બોલાવ્યો હતો અને પ્રચંડ બહુમતી સાથે સતત બીજી વખત સત્તામાં એન્ટ્રી કરી લીધી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પાર્ટી દ્વારા આક્રમક રીતે બેરોજગારીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
ખાસ કરીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બેરોજગારીને લઈને મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ બેરોજગારીના મુદ્દા પર જ દરેક રેલીમાં ભાજપ સરકારને મુશ્કેલીમાં મુકવાના પ્રયાસ કર્યા હતા. મોદીએ પણ આ બાબતની નોંધ લીધી હતી. પ્રથમ અવધિમાં રોજગારીને લઈને અધુરા કામ રહ્યા બાદ સત્તામાં આવતાની સાથે જ મોદીએ દેશની આર્થિક ગતિને વધારવા માટે તૈયારી કરી દીધી છે. આના ભાગરૂપે વિકાસને વેગ આપવા તથા રોજગારીને વધારવા માટે બે નવી કેબિનેટ કમિટીની રચના કરવામાં આવી છે. મુડીરોકાણ અને ગ્રોથને વધારવા માટે પણ તમામ તૈયારી કરવામાં આવી છે.
અમિત શાહને બંન્ને કમિટીમાં શામેલ કરવામાં આવ્યા છે. મોદીના નેતૃત્વ હેઠળની આ બંન્ને કમિટી ખુબ જ ઝડપથી કામ કરશે અને વિકાસને વધારવાને જરૂરી સુચન કરશે. રોજગારીને ઉચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.