પાસવર્ડમાં બગ્સની ફરિયાદના પગલે ટ્વિટરે એક પોતાના તમામ ૩૩ કરોડ એક્ટિવ યુઝર્સને પાસવર્ડ બદલવાની અપીલ કરી છે. પાસવર્ડના સોફ્ટવેરમાં બગ આવી હોવાથી ટ્વિટરે આવું સૂચન કર્યું છે. જોકે, વાયરસને હટાવી દેવાયો હોવાનો ખુલાસો પણ ટ્વિટરે કર્યો હતો.
ટ્વિટરના સત્તાવાર એકાઉન્ટ ટ્વિટર સપોર્ટે ટ્વીટ કરીને ટ્વિટરના તમામ ૩૩ કરોડ યુઝર્સને તેનો પાસવર્ડ સુરક્ષાના કારણોથી બદલી નાખવાની ભલામણ કરી હતી. ટ્વીટમાં લખાયું હતું : અમને બગની ફરિયાદ મળી છે. જે પાસવર્ડને ડેમેજ કરે છે. અમે એ વાયરસને હટાવી દીધો છે, પણ સુરક્ષાના કારણોથી યુઝર્સ એમનો અત્યારે જે પાસવર્ડ હોય તે બદલી નાખે એ હિતાવહ છે.
કંપનીએ જોકે, યુઝર્સને ચિંતામુક્ત રહેવાનું પણ જણાવ્યું હતું. સોફ્ટવેરમાં આવેલી ગરબડને હટાવી દેવામાં આવી છે એટલે એક પણ યુઝર્સનો ડેટા લિક થશે નહીં એવું આશ્વાસન કંપનીએ આપ્યું હતું. ટ્વિટરે કહ્યું હતું કે બગના કારણે એક પણ અકાઉન્ટમાં કોઈ ગરબડ થઈ હોય એવું સામે આવ્યું નથી, પરંતુ અમારા ટેકનિકલ સ્ટાફની ફરિયાદના આધારે સુરક્ષાના કારણોથી અમે આ નિર્દેશ જારી કર્યો છે. પાસવર્ડ ચોરાયા ન હોવાનું બહુ ભારપૂર્વક ટ્વિટરે કહ્યું હતું.
પણ ટ્વિટરની આ સૂચના પછી અસંખ્ય યુઝર્સે તાત્કાલિક પાસવર્ડ બદલવાનું ચાલુ કર્યું હતું. કેટલાક યુઝર્સે તો ટ્વિટર ઉપર અન્ય યુઝર્સને પણ એવી ભલામણ કરી હતી. તે કારણે પાસવર્ડ ચેન્જ ટ્વિટર ઉપર ટ્રેન્ડ બન્યો હતો.