એલોન મસ્કે જ્યારથી ટિ્વટરનો હવાલો સંભાળ્યો છે, ત્યારથી તેમણે યુઝર્સ માટે પ્લેટફોર્મને સારૂ બનાવવા માટે કોઈ કસર છોડી નથી. તમને જણાવી દઈએ કે પ્લેટફોર્મ પર થઈ રહેલી કેટલીક ખોટી બાબતોને અટકાવવા માટે હવે ટિ્વટરે ભારતમાં ૨૬ એપ્રિલથી ૨૫ મે વચ્ચે ચાલી રહેલા ૧૧ લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઈએ કે ટિ્વટરે બાળ યૌન શોષણ અને સહમતિ વગરની ન્યૂડિટી જેવી વસ્તુઓને પ્રમોટ કરતા ૧૧,૩૨,૨૨૮ ટિ્વટર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહીં, ટિ્વટરે આવા ૧,૮૪૩ ટિ્વટર એકાઉન્ટને પણ પ્રતિબંધિત કરી દીધા છે. જે એકાઉન્ટ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યા હતા.
નવા IT નિયમો ૨૦૨૧ના પાલન સાથે સંબંધિત તેનો માસિક રિપોર્ટ જાહેર કરતાં ટિ્વટરે કહ્યું કે કંપનીને ફરિયાદ નિવારણ પદ્ધતિ દ્વારા ભારતમાં વપરાશકર્તાઓ તરફથી ૫૧૮ ફરિયાદો મળી છે. આ રિપોર્ટમાં ટિ્વટરે જણાવ્યું છે કે ફરિયાદોની નજીકથી તપાસ કર્યા બાદ અમે ૨૫ એકાઉન્ટને સસ્પેન્ડ કરવાનું બંધ કરી દીધું છે, પરંતુ અન્ય એકાઉન્ટ પરનો પ્રતિબંધ યથાવત રાખ્યો છે. ટિ્વટરને ભારતમાં સ્થિત ટિ્વટર વપરાશકર્તાઓ તરફથી દુરુપયોગ/સતામણી (૨૬૪), હેટફૂલ કન્ડક્ટ (૮૪), એડલ્ટ કન્ટેન્ટ (૬૭) અને બદનક્ષી (૫૧) સંબંધિત ફરિયાદો સૌથી વધુ મળી છે. જો તમે પણ ટિ્વટર પર કંઈક એવું કર્યું છે જેના કારણે તમારી સામેની વ્યક્તિને મુશ્કેલી થઈ અને તેણે તમારા વિશે ફરિયાદ કરી તો શક્ય છે કે તમારૂ ટિ્વટર એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લાગી શકે છે. ૨૦૨૧ IT નિયમો હેઠળ, મોટા ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કે જેનો યુઝર ડેટા બેઝ ૫ મિલિયન (૫૦ લાખ) કરતાં વધુ છે તેમને દર મહિને કંપ્લાયન્સ રિપોર્ટ્સ જાહેર કરવા માટે કહેવામાં આવ્યું છે. યાદ અપાવી દઈએ કે ટિ્વટરે ૨૬ માર્ચથી ૨૫ એપ્રિલની વચ્ચે ૨૫,૫૧,૬૨૩ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.