ભારતના કિશનગંગા બંધની યોજના પાકિસ્તાનને આંખમાં કાનની જેમ ખૂંચે છે. એ બાબતે ભારતની ફરિયાદ લઇને વર્લ્ડ બેંક પહોંચેલા પાકિસ્તાનને ફરીવાર ઝટકો લાગ્યો છે. વર્લ્ડ બેંકે પાકિસ્તાનને ભારતના પ્રસ્તાવનો સ્વીકાર કરવાની સલાહ આપી છે. પાકિસ્તાન આ મામલો ઇન્ટરનેશનલ કોર્ટમાં લઇ ગયું હતું જ્યાં ભારતે એક નિષ્પક્ષ એક્સપર્ટની નિમણૂંકનો પ્રસ્તાવ આપ્યો છે.
હવે વર્લ્ડ બેંકનું કહેવું છે કે, પાકિસ્તાને ભારતના પ્રસ્તાવનો સ્વીકાર કરી લેવો જોઇએ. પાકિસ્તાન હંમેશાથી તેવો દાવો કરતું આવ્યું છે કે, સિંધુ નદીમાં ભારતની કોઇ યોજના વર્લ્ડ બેંકની મધ્યસ્થીમાં 1960માં થયેલા સિંધુ જળ કરારનું ઉલ્લંઘન કરે છે. વર્લ્ડ બેંકે સિંધુ અને તેની સહાયક નદીઓના પાણીની વહેંચણી કરવા આ સમજૂતી કરાવી હતી. હવે પાકિસ્તાનની 80% ખેતી સિંધુ નદી પર નિર્ભર છે. પાકિસ્તાનનું કહેવું છે કે, બંધ બાંધવાથી માત્ર નદીનો માર્ગ જ નહી બદલે પરંતુ, પાકિસ્તાનમાં વહેતી નદીઓનું જળ સ્તર પણ ઓછું થશે. તેથી આ વિવાદની સુનાવણી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં થવી જોઇએ.