નવીદિલ્હી : ડિસ અને કેબલ ટીવીના ગ્રાહકોને હવે પસંદગીની ટીવી ચેનલો માટે જ ચુકવણી કરવી પડશે. આના માટેનો તખ્તો ગોઠવાઇ ગયો છે. પહેલી ફેબ્રુઆરીથી ગ્રાહકોને પોતાના પસંદગીના ટીવી ચેનલ માટે નાણાં ચુકવવાના રહેશે. આના માટે ટ્રાઇ દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. મનપસંદ ટીવી ચેનલો માટે જ નાણાં ચુકવવા રહેશે. ડીસ અને કેબલ ટીવીના ગ્રાહકોને અનેક વખત ટીવી ચેનલો માટે પણ ચુકવણી કરવાની ફરજ પડે છે જે ચેનલો તેઓ ક્યારે પણ જોતા નથી. આનુ કારણ એ છે કે, આ ચેનલો એક પૈકના હિસ્સામાં આવે છે પરંતુ હવે પહેલી ફેબ્રુઆરીથી તેમાં ફેરફાર થનાર છે.
આ ફેરફારની સમય મર્યાદા પહેલા ૨૯મી ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી પરંતુ કંપનીઓ આમા સફળ રહી ન હતી. હવે ટ્રાઇએ પહેલી ફેબ્રુઆરીના દિવસે આને અમલી કરવાનો નિર્ણય કર્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હવે નવી પ્રાઇઝિંગ અને ચેનલ સિલેક્શન સિસ્ટમ માટે સેટેલાઇટ અને કેબલ ટીવી ઓપરેટર્સને ૩૧મી જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. નવી સિસ્ટમ હેઠળ ગ્રાહકોને કોઇ પેક માટે રકમ ચુકવવાના બદલે પસંદગીના ચેનલો માટે જ ચુકવણી કરવાની રહેશે. આમા તેમની પાસે પોતાની પસંદગીની ચેનલ પસંદ કરવાનો વિકલ્પ રહેશે. હજુ પણ પેક ઉપર ઓફર તો જારી જ રહેશે પરંતુ ગ્રાહકોને માત્ર પેકમાં આપવામાં આવેલી ચેનલોની ચુકવણી માટે જ ફરજ પડશે નહીં.
કાગળો ઉપર તો હજુ પણ ગ્રાહકોની પાસે કોઇ એક ચેનલ પસંદ કરવાનો વિકલ્પ છે પરંતુ સર્વિસ પ્રોવાઈડર્સ ચેનલોના બંડલ ઉપલબ્ધ કરાવે છે. એટલું જ નહીં ટ્રાઇએ ચેનલોની કિંમત પણ નક્કી કરી દીધી છે. કોઇપણ એક ચેનલ માટે ગ્રાહકોને મહત્તમ ૧૯ રૂપિયા જ ચુકવવાના રહેશે. ડિસેમ્બરમાં બ્રોડકાસ્ટિંગ તરફથી ટ્રાઇને સોંપવામાં આવેલા સૂચિત કિંમતોમાં ચેનલોની કિંમત વર્તમાન રેટથી ચારથી પાંચ ગણી ઘટી જાય તેવી શક્યતા છે. હાલમાં પ્રતિ ચેનલની કિંમત ૬૦ રૂપિયાની આસપાસ હોય છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને મોટી રાહત મળે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.
પહેલી ફેબ્રુઆરીના દિવસથી ચેનલો માટે પસંદગી કરીને નાણાં ચુકવવાના રહેશે. આને લઇને કેબલ ઓપરેટરો અને ડીસ ટીવી સાથે જાડાયેલા લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. ટ્રાઇ માને છે કે, નવી વ્યવસ્થા બ્રોડકાસ્ટરોને વ્યક્તિગત ચેનલોની કિંમત લેવાની ફરજ પાડશે. આમા વધુ પારદર્શકતા આવશે પરંતુ આવું કરીને ચેનલ ડિસ્ટ્રીબ્યુશનમાં ખલેલ રહે તેવી શક્યતા છે. સેટેલાઇટ ટીવી કંપનીઓ દ્વારા હાલ ચેનલ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે જેમાં તાતા સ્કાય, ડીસ, એરટેલ, કેબલ ટીવી કંપનીઓનો સમાવેશ થાય છે. ટ્રાઇના સેક્રેટરી એસકે ગુપ્તાએ માહિતી આપતા કહ્યું છે કે, સર્વિસ પ્રોવાઇડરોને ચેનલની પસંદગી ઉપર પારદર્શક વિકલ્પોની ઓફર કરવામાં આવશે.