અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં ટ્રાવેલ્સ અને ટુરીઝમ ક્ષેત્રને વધુ પ્રોત્સાહિત કરવા અને સેલર્સ, બાયર્સ અને એકઝીબીટર્સને બહુ ઉમદા તક સાથેનું અદ્ભુત મંચ પૂરું પાડતો ટ્રાવેલ અને ટુરીઝમ ફેર(ટીટીએફ) અમદાવાદ બાદ હવે સુરતમાં આયોજિત કરવામાં આવ્યો છે. સુરતમાં પંડિત દિનદયાળ ઇન્ડોર સ્ટેડિયમાં તા.૧૪,૧૫ અને ૧૬ એમ ત્રણ દિવસના આ ટ્રાવેલ અને ટુરીઝમ ફેર(ટીટીએફ)ને પ્રોત્સાહન અને પ્રવાસીઓની સાનૂકૂળતા અને સુવિધા માટે ગુજરાત રાજય ટુરીઝમ વિભાગ પણ આગળ આવ્યું હતું અને ટીટીએફના મંચની સરાહના કરી હતી. મધુભન રિસોર્ટ સહિતના અનેક સેલર્સ, બાયર્સ અને એકઝીબીટર્સે આ ટીટીએફમાં ભાગ લીધો હતો. પ્રવાસીઓ અને પ્રવાસન ઉદ્યોગના પ્રોત્સાહન માટે હવે ટીટીએફ આશીર્વાદ સમાન બની રહ્યો છે એમ અત્રે ટીટીએફના પાર્ટીસીપન્ટ અને મધુભન રિસોર્ટના વાઇસ પ્રેસીડેન્ટ મનોહર એસ.ગુરૂંગે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશભરમાં ટ્રાવેલ અને ટુરીઝમ ફેર(ટીટીએફ)નો નવો કન્સેપ્ટ બહુ લોકપ્રિય, અસરકારક અને પરિણામલક્ષી સાબિત થઇ રહ્યો છે, જેના કારણે દેશ-વિદેશના પ્રવાસીઓને તો લાભ થાય છે જ પરંતુ સાથે સેલર્સ, બાયર્સ અને એકઝીબીટર્સને પણ વિકાસ અને પ્રગતિ કરવાની બહુ ઉમદા તક એક પ્લેટફોર્મ પર પ્રાપ્ય બને છે. ભારતના ડોમેસ્ટીક ટુરીઝમ અને વિદેશ પ્રવાસમાં ગુજરાતીઓનો ફાળો હંમેશા બહુમૂલ્ય હોય છે અને તેથી તેને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. અમદાવાદમાં સફળ ટીટીએફના આયોજન બાદ સુરતનો આ ત્રિદિવસીય ટીટીએફને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
આ ટીટીએફમાં ટુર ઓપરેટર્સ, ટ્રાવેલ એજન્ટ, પોર્ટલ, એડવેન્ચર ટુરીઝમ, એરલાઇન્સ, કાર રેન્ટલ, ક્રુઝ લાઇન્સ, ગાઇડ-મેપ સહિતની અનેકવિધ સેવા એક જ જગ્યાએથી ઉપલબ્ધ બની રહે છે, જેના કારણે પ્રવાસીઓને તેમના દેશ-વિદેશના પ્રવાસ માટેના કાર્યક્રમ ઘડવાની અને આગોતરું આયોજન કરવાની તક એડવાન્સમાં મળી રહે છે તો, સાથે સાથે સેલર્સ, બાયર્સ અને એકઝીબીટર્સને પણ તેમના આ ક્ષેત્રમાં સફળતાપૂર્વકના પરિમાણો પ્રસ્થાપિત કરવામાં મદદ મળી રહે છે. છેલ્લા કેટલાક સમયથી ડોમેસ્ટીક ટુરીઝમ(દેશમાં જ આવેલા વિવિધ પ્રવાસન સ્થળો)ની સાથે સાથે હવે ફોરેન ટુરીઝમનો ક્રેઝ પણ લોકોમાં વધતો જાય છે અને તેના કારણે વિદેશમાં ફરવા જતાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.
તો, વિદેશના પ્રવાસીઓની પણ ભારતમાં વિવિધ જાવાલાયક અને તીર્થધામો સહિતના પ્રવાસન સ્થળોએ ફરવા આવવા માટેની સંખ્યા વધી રહી છે ત્યારે આ પ્રકારના ટીટીએફનું આયોજન બહુ સરાહનીય પગલું છે. ટીટીએફના પાર્ટીસીપન્ટ અને મધુભન રિસોર્ટના વાઇસ પ્રેસીડેન્ટ મનોહર એસ.ગુરૂંગે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદથી આણઁદ રોડ પર જતાં આવતો મધુભન રિસોર્ટ પર્યાવરણની જાળવણી અને ગ્રીન એન્વાયર્નમેન્ટની પ્રેકટીસનો અનોખો સંદેશો આપતો રિસોર્ટ છે. જે સોલાર એનર્જી, રેઇન વોટર હાર્વેસ્ટીંગ સહિતના અનેક રચનાત્મક અને પ્રેરણારૂપ પ્રયોગોથી ઉદાહરણરૂપ બની રહ્યો છે.