નવીદિલ્હી : રાફેલ ડિલને લઇને કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, સત્યને ક્યારે પણ શ્રૃંગારની જરૂર હોતી નથી. જુઠ્ઠાણા કેટલા પણ ફેલાવવામાં આવે તેમાં તાકાત હોતી નથી. મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, સંરક્ષણ સોદાબાજીના મામલામાં કોંગ્રેસના ઇતિહાસને દેશના લોકો જાણે છે. બોફોર્સથી લઇને હેલિકોપ્ટર સુધીના કૌભાંડોથી લોકો વાકેફ છે. કોંગ્રેસ હાલમાં ભારે હચમચી ઉઠી છે. કારણ કે, કેન્દ્ર સરકાર દ્વારા જે સંરક્ષણ સોદા કરવામાં આવી રહ્યા છે તેમાં કોઇ ક્વોટ્રોચી મામા અથવા તો ક્રિશ્ચિયન મિશેલ નામના અંકલ નથી.
કોંગ્રેસ શાસનકાળમાં દરેક સોદાબાજીમાં મામા અને કાકાઓ વચેટિયા તરીકે હતા. એનડીએ સરકારમાં કોઇ મામા અને અંકલ નથી. ભાજપ માટે દેશ સૌથી પહેલા છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશહિત, રાષ્ટ્રહિત અને જનહિતને સર્વોપરિતા આપે છે. તેમની સરકારના આ સંસ્કાર છે. કોંગ્રેસના શાસનકાળમાં અનેક જરૂરિયાતો હોવા છતાં કોઇ સોદા કરવામાં આવ્યા ન હતા. આધુનિક વિમાનોની જરૂર હોવા છતાં પગલા લેવાયા ન હતા. તેમના પગલાના લીધે દેશના ૬૦૦૦૦ કરોડ રૂપિયાનો ફાયદો ખેડૂતોને સીધીરીતે થયો છે જેનાથી તેમને વધુ ફાયદો થશે.