નવી દિલ્હી : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જમ્મુકાશ્મીરના મુદ્દા પર મધ્યસ્થીવાળા નિવેદનને ભારતે રદિયો આપતા અમેરિકાની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. વિદેશ મંત્રાલય દ્વારા સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન તેમને આવી કોઇ પણ અપીલ કરી નથી. સાથે સાથે ભારતે સાફ શબ્દોમાં એમ પણ કહ્યુ છે કે કાશ્મીર મુદ્દા પર ભારતનુ વલણ બિલકુલ સ્પષ્ટ છે.
આ મુદ્દા પર ત્રીજા પક્ષની કોઇ જગ્યા રહેલી છે. કાશ્મીર મામલે દ્ધિપક્ષીય વાતચીત સિવાય કોઇ અન્યની જગ્યા નથી. વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે મધ્યસ્થી કરવા માટે મોદીએ ક્યારેય વાત કરી નથી. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે નિવેદન જારી કરીને કહ્યુ છે કે ભારતનુ વલણ બિલકુલ સ્પષ્ટ છે. તેમણે કહ્યુ હતુ કે અમેરિકી પ્રમુખ દ્વારા પ્રેસને આપવામાં આવેલા એવા નિવેદનને અમે જોઇ ચુક્યા છીએ જેમાં કહેવામાં આવ્યુ છે કે જો ભારત અને પાકિસ્તાન અપીલ કરે છે તો મધ્યસ્થતા માટે તૈયાર છે.
મોદીએ ટ્રમ્પને મધ્યસ્થી કરવા સાથે સંબંધિત કોઇ અપીલ ટ્રમ્પને કરી નથી. તેમણે કહ્યુ હતુ કે ભારતે હમેંશા કહ્યુ છે કે પાકિસ્તાનની સાથે તમામ પેન્ડિંગ મુદ્દાને ઉકેલી શકાય છે. ભારતે પહેલા પણ કહ્યુ છે કે કાશ્મીર સહિત તમામ મુદ્દા પર વાતચીત થઇ શકે છે પરંતુ સૌથી પહેલા પાકિસ્તાનને સરહદ પારથી ત્રાસવાદી ગતિવિધીને બિલકુલ અટકાવી દેવી પડશે. તે પહેલા પાકિસ્તાન સાથે કોઇ પણ પ્રકારની વાતચીત કરવામા આવનાર નથી.