નવી દિલ્હીઃ વર્ષ ૨૦૧૯માં લોકસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પોત પોતાની રીતે તૈયારીઓ કરી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી તૈયારીમાં સૌથી આગળ દેખાઈ રહ્યા છે. ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે દરરોજ નવા નવા સમીકરણો રચાઈ રહ્યા છે. આના ભાગરૂપે ભાજપ અને કોંગ્રેસ ગઠબંધનને મજબૂત કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. નવી પાર્ટીઓને સાથે લાવવાની કવાયત ચાલી રહી છે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ અને ભાજપ વચ્ચે ચૂંટણી બાદ ગઠબંધન પર એક સંભવિત સંમતિ સધાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. તેલંગાણાના મુખ્યમંત્રી અને ટીઆરએસના પ્રમુખ ચંદ્રશેખર રાવની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી બેઠક બાદ નવા સંકેતો મળી રહ્યા છે. આ બેઠક એક કલાક સુધી ચાલી હતી. મોદી અને રાવે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી ઉપર ચર્ચા વિચારણા કરી હતી.
મોદી સાથે વાતચીત કર્યા બાદ રાવે કહ્યું હતું કે જો ચૂંટણી બાદ ગઠબંધન તેમની પાર્ટીના હિતમાં રહેશે નહીં તો ભાજપને જરૂર પડશે તો ગઠબંધન મામલે ટેકો આપવામાં આવશે. છેલ્લા થોડાક દિવસમાં જ મોદીએ વારંવાર ટીઆરએસની પ્રશંસા કરી છે. લોકસભામાં મોદી સરકારની સામે ટીડીપી દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન પણ ટીઆરએસએ પોતાને અલગ કરી લેવાની જાહેરાત કરી હતી. ટીડીપી એનડીએ સાથે અલગ થયા બાદથી એનડીએ દ્વારા ટીઆરએસને સાથે લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન એકબાજુ મોદીએ ટીડીપીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ટીકા કરી હતી. જ્યારે બીજી બાજુ ટીઆરએસ પ્રમુખ ચંદ્રશેખર રાવની પ્રશંસા પણ કરવામાં આવી હતી. જૂનમાં ચંદ્રશેખર રાવે મોદી સાથે વાતચીત કરી હતી. ૫૦ દિવસની અંદર જ મોદી અને રાવ વચ્ચે આ બીજી વાતચીત છે. આવી સ્થિતિમાં સમીકરણો બદલાવવાના સંકેતો દેખાઈ રહ્યા છે. બીજી બાજુ તેલંગાણા તરફથી કેટલીક માંગો હજુ પણ કેન્દ્રમાં પેન્ડીંગ રહેલી છે. માત્ર જુદા જુદા કારણોથી રાજકીય સંબંધો બગાડવામાં આવી રહ્યા નથી.
ટીઆરએસ સરકારમાં એક મંત્રી પોતે કહે છે કે અમે આ માંગોને લઈને કેન્દ્રની સામે સતત રજુઆત કરીશું. કેન્દ્ર સરકાર સાથે સારા સંબંધો રાખવાના પ્રયાસ થઈ રહ્યા છે. વધતા જતા નજીકના સંબંધોને લઈને ટીઆરએસ હજુ ભાજપને સંપૂર્ણપણે ટેકો આપવાની તૈયારીમાં નથી. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનના સૂચનને પાર્ટી પહેલાથી જ અસ્વીકાર કરી ચુકી છે. ટીઆરએસ માને છે કે તેલંગાણામાં જીતવા માટે ભાજપ પાસે કોઈ ઉમેદવાર નથી. આવી સ્થિતિમાં તે વિધાનસભા ચૂંટણીમાં વધુને વધુ પાંચ સીટો પર પોતાના ઉમેદવાર ન ઉતારીને ભાજપને મદદ કરી શકે છે.