નવી દિલ્હી: એરસેલ-મેક્સીસ ડીલના મામલે પૂર્વ કેન્દ્રિય પ્રધાન પી. ચિદમ્બરમની મુશ્કેલી હજુ ઓછી થઇ રહી નથી. હવે તપાસ સંસ્થા સીબીઆઇએ આક્ષેપ કરતા કહ્યુ છે કે ચિદમ્બરમે વ્યક્તિગતરીતે લાંચ લીધી હતી. સીબીઆઇએ ૧.૧૩ કરોડની વ્યક્તિગતરીતે લાંચ લેવાનો તેમના પર આક્ષેપ કર્યો છે. તપાસ સંસ્થાઓ કહ્યુ છે કે મેક્સીસ તરફથી એરસેલમાં ગેરકાયદે રીતે પ્રત્યક્ષ વિદેશી રોકાણને મંજુરી મળી ગયા બાદ ચિદમ્બરમના પુત્ર કાર્તિએ લાંચ લીધી હતી. મેક્સીસને એરસેલમાં ૩૫૬૦ કરોડ રૂપિયાના રોકાણની મંજુરી મળી હતી.
કેન્દ્રિય તપાસ સંસ્થાએ આક્ષેપ કરતા કહ્યુ છે કે ચિદમ્બરમને વર્ષ ૨૦૦૬થી વર્ષ ૨૦૧૨ વચ્ચેના ગાળામાં આ રકમ આપવામાં આવી હતી. આ રકમ એવા નાણાના હિસ્સા તરીકે હતી જેને કાર્તિના નિયંત્રણવાળી કંપનીમાં રોકવામાં આવી હતી. આ રકમ ભારતમાં તો રોકવામાં આવી હતી, પરંતુ સાથે સાથે વિદેશમાં પણ રકમ મોકલી દેવામાં આવી હતી. અત્રેે નોંધનીય છે કે ચિદમ્બરમ સતત કહેતા રહ્યા છે કે એરસેલ મેક્સીસ ડીલમાં કોઇ પણ પ્રકારની ગેરરિતી થઇ ન હતી. સોમવારના દિવસે પણ ટ્વિટ કરીને ચિદમ્બરમને આ મુજબની સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. તેમણે ટ્વીટ કરીને ખુલાસો કર્યો હતો કે વિદેશી મુડીરોકાણ પ્રોત્સાહન બાર્ડ દ્વારા તેમને આ રોકાણ મામલે દરખાસ્ત આપવામાં આવી હતી. આ દરખાસ્ત એવી ૨૦ અન્ય દરખાસ્તમાં સામેલ હતી જે તેમની પાસે મંજુરી માટે આવી હતી.
એરસેલ-મેક્સીસ ડીલ પર મંજુરીના બદલે લાંચના નામે ચેપ્ટરમાં સીબીઆઇ દ્વારા કેટલીક ચોંકાવનારી વાત કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે એડવાન્ટેજ સ્ટેટેજિનક કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમીટેડે મેનેજમેન્ટ કન્સલ્ટેન્સીના નામ પર એરસેલ પાસેથી ૨૯મી માર્ચ ૨૦૦૬થી ૨૭.૫૫ લાખ રૂપિયા હાંસલ કર્યા હતા. આ કંપની કાર્તિના પારિવારિક સભ્યોના ફાયનાન્સિયલ મામલાને સંભાળનાર એસ. ભાસ્કરણના નેતૃત્વમાં કામ કરતી હતી. સીબીઆઇ દ્વારા પોતાના હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીની પાસે કન્સલ્ટેન્સીની સેવા આપવા માટે સ્કિલ્ડ પ્રોફેશનલ જ ન હતા. સાથે સાથે કોઇ મેનેજમેન્ટ કન્સલ્ટેન્સી કંપનીએ એરસેલને કોઇ સલાહ પણ આપી ન હતી. બીજી બાજુ મુશ્કેલમાં મુકાયેલા ચિદમ્બરમ હવે બચાવના મુડમાં દેખાઇ રહ્યા છે. ચિદમ્બરમે કહ્યુ છે કે સીબીઆઇની ટીમ મામલામાં નિષ્પક્ષ કાયદાકીય પ્રક્રિયા ઇચ્છતી નથી. તે મિડિયા ટ્રાયલ કરવા માટે ઇચ્છુક છે. પૂર્વ નાણાંપ્રધાને કહ્યુ છે કે સીબીઆઇના ચાર્જશીટની નકલ એવા લોકોને આપવામાં આવી નથી. જેમના નામનો ઉલ્લેખ આમાં કરવામાં આવ્યો છે. કોંગ્રેસની મુશ્કેલીમા પણ વધારો થઇ રહ્યો છે. કારણ કે ચિદમ્બરમને લઇને એકપછી એક બાબત સપાટી પર આવી રહી છે.
લોકસભાની ચૂંટણી આડે વધારે સમય નથી અને કેટલાક રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસને બચાવમાં મુશ્કેલી નડી શકે છે. ચિદમ્બરમ છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમના પુત્રની પણ કેટલીક વખત પુછપરછ કરવામાં આવી ચુકી છે.