પાકિસ્તાનની દેવરી ફોરવર્ડ પોસ્ટ દ્વારા ભારતીય સીમામાં ડ્રોન ઘૂસ્યું હતું તેનેતોડી પાડવામાં આવ્યું છે આ માહિતી ગુરદાસપુર રેન્જના ડીઆઈજી પ્રભાકર જોશીએ આપતા કહ્યું કે શાહપુર બોર્ડર આઉટ પોસ્ટ (બીઓપી)ની નજીક તૈનાત ૭૩ બટાલિયનના જવાનોએ ડ્રોનનો અવાજ સંભળાતા જ નિપુણતા બતાવી અને ફાયરિંગ કૌશલ્ય અને સાહસનો પરિચય આપ્યો. ભારતીય ક્ષેત્રમાં ઘુસ્યા બાદ તરત જ ડ્રોનને નષ્ટ કરી દેવાયું હતું. સૈનિકોએ તેના પર ૧૭ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘ડ્રોન પાકિસ્તાનની દેવરી ફોરવર્ડ પોસ્ટ દ્વારા ભારતીય સીમામાં ઘૂસ્યું હતું. જે વિસ્તારમાં ડ્રોન મોકલવામાં આવ્યું હતું, તે વિસ્તાર ગીચ જંગલવાળો છે.
ડ્રોનને શેરડીના ખેતરમાં તોડી પાડવામાં આવ્યું. જે બાદ તપાસ કરતા ડ્રોન પર એક દોરી લગાવેલી જોવા મળી. હાલ આ વિસ્તારમાં બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન હવે ભારતમાં ઘુસણખોરી કરવા માટે ડ્રોનનો સહારો લઈ રહ્યું છે. ડ્રોન દ્વારા જ પાકિસ્તાન પંજાબ અને કાશ્મીર ખીણમાં સક્રિય આતંકવાદીઓને હથિયારો સપ્લાય કરી રહ્યું છે. ભારતીય સૈન્યના રિપોર્ટ મુજબ પાકિસ્તાને છેલ્લા નવ મહિનામાં ૧૯૧ ડ્રોન ભારતીય સરહદમાં મોકલ્યા છે. ભારતની સરહદ પર દેખાયેલા ૧૯૧ ડ્રોનોમાંથી ૧૭૧ પંજાબ સેક્ટરની સાથે-સાથે ભારત-પાકિસ્તાન સરહદ દ્વારા ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, જ્યારે ૨૦ ડ્રોન જમ્મુ-કાશ્મીરમાં જોવા મળ્યા.