અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ એક કન્સ્ટ્રક્શન સાઈટ પર ટ્રોલી લિફ્ટ તૂટી દુર્ઘટના સર્જાઈ હતી. નિર્માણાધીન બિલ્ડિંગમાં સર્જાયેલી દુર્ઘટનામાં ૨ શ્રમિકો ફસાયા હતા. સમગ્ર ઘટના મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, આ પછી ફસાયેલા શ્રમિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
આ મામલે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં કિંગ્સ્ટન રેસિડન્સી નામની ઇમારતના નિર્માણ દરમિયાન એક ટ્રોલી લિફ્ટ તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં લટકતી ટ્રોલ પર બે શ્રમિકો ફસાયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
ટેકનિકલ ખામી સર્જાતા ટ્રોલી લિફ્ટ તૂટી હોવાની શકયતા છે, ત્યારે ઘટનાને પગલે સાઈટ મેનેજમેન્ટ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ પછી બંને શ્રમિકોનું રેસ્ક્યૂ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે.