નવી દિલ્હી : લોકસભામાં ત્રિપલ તલાક બિલને પાસ કરવામાં આવ્યા બાદ હવે રાજ્યસભામાં આ બિલ પાસ થશે કે કેમ તેને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. રાજકીય વર્તુળોમાં આને લઇને વધારે ઉત્સુકતા છે. જો કે મોદી સરકારને આશા છે કે કેટલાક મિત્ર દળોના સમર્થન સાથે અને કેટલાક મિત્રોના વોકઆઉટના કારણે બિલ પાસ કરી દેવામાં આવશે. લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ સત્તા પક્ષ અને વિપક્ષને ત્રિપલ તલાક બિલના મુદ્દા પર પોતાની તાકાત દર્શાવવાની તક મળનાર છે. આ બિલમાંએક સાથે ત્રણ વખત ત્રિપલ તલાક આપનાર મુસ્લિમ પુરૂષો માટે જેલની સજાની જોગવાઇ કરવામાં આવી છે. લોકસભામાં આને પાસ કરાવી દીધા બાદ સરકાર આશાવાદી બનેલી છે. રાજ્સભામાં આ બિલને પસાર કરવા માટે ભાજપને કેટલાક બિન એનડીએ પક્ષોને મનાવવા પડશે. ભાજપ સરકારને કેટલાકનો સાથ મળે તેવી આશા દેખાઇ રહી છે.
કેટલાક સાંસદો ગેરહાજર રહી શકે છે. રાજ્યસભામાં શાસક પક્ષ પાસે બહુમતિ ન હોવાના કારણે વિપક્ષી પાર્ટીઓને બિલ આડે અડચણો ઉભી કરવાની તક મળતી રહી છે. પરંતુ છેલ્લા સપ્તાહમાં માહિતી અધિકાર સુધારા બિલ પર સરકારને બિજુ જનતા દળનુ સમર્થન મળી ગયુ હતુ. તેલંગણા રાષ્ટ્રીય સમિતી તરફથી પણ સરકારને ટેકો મળ્યો છે. હાલના વર્ષોમાં રાજ્યસભામાં પણ સરકારની સ્થિતી હવે ધીમી ગતિથી મજબુત બની રહી છે. તેલુગુ દેશમ પાર્ટીના ચાર રાજ્યસભા સાંસદો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ગયા બાદ પાર્ટીની સ્થિતી મજબુત થવા લાગી ગઇ છે. સત્તાધારી એનડીએ ગઠબંધનને રાજ્યસભામાં ૧૧૩ સભ્યોનો ટેકો છે. રાજકીય પંડિતો માને છે કે જો તેને બીજેડીના સાત અને ટીઆરએસના છ સભ્યોનો ટેકો મળી જશે તો બિલને સરળ રીતે પાસ કરી દેવામાં આવનાર છે. લોકસભામાં ૨૫મી જુલાઇના દિવસે લાંબી ચર્ચા બાદ ત્રિપલ તલાક બિલને પાસ કરી દેવામાં આવ્યું હતું. લોકસભામાં ત્રીજી વખત ત્રિપલ તલાક બિલ પાસ કરવામાં આવ્યું હતુ. અગાઉ બે વખત રાજ્યસભામાં આ બિલ અટવાઈ પડ્યું હતું અને આગળ વધી શક્યું ન હતી. આ વખતે સરકાર આશાવાદી છે. બિલમાં સુધારા માટે લાવવામાં આવેલા વિપક્ષી સાંસદોના પ્રસ્તાવ પડી ગયા હતા. આ બિલ ધ્વનિમતથી પાસ થયું હતું. વર્તમાન સત્રને ૭મી ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવ્યું છે.
લોકસભામાં સુધારા અને બિલ પર વોટિંગ દરમિયાન કોંગ્રેસના સાંસદોએ વોકઆઉટ કર્યો હતો. ઓગસ્ટ ૨૦૧૭માં ત્રિપલ તલાકને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યો હતો. મોદી સરકારની પ્રથમ અવધિમાં બે વખત આ બિલને મંજુરી મળી હતી પરંતુ રાજ્યસભામાં બિલ અટવાયું હતું. ત્રિપલ તલાક બિલમાં અનેક જટિલ જોગવાઈ રહેલી છે. ૨૮મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યસભામાં આ મામલો અટવાઈ પડ્યો હતો. ત્યારબાદ ૨૭મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે પણ લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું પરંતુ તે વખતે પણ આ બિલ રાજ્યસભામાં અટવાઈ પડ્યું હતું. આ વખતે સરકાર બિલને પસાર કરવા માટે વધુ ગંભીરતા સાથે પ્રયાસ કરનાર છે. હાલમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર દેખાવ કરીને રેકોર્ડ જીત મેળવી હતી. સતત બીજી વખત મોદીના નેતૃત્વમાં ભાજપે બહુમતિ હાંસલ કરી હતી. ભાજપને એકલા હાથે ૩૦૩ સીટો મળી હતી.