નવી દિલ્હી : લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ કરવામાં આવ્યા બાદ આજે રાજ્યસભામાં બિલ રજૂ કરવામાં આવે તે પહેલા બેઠકોનો દોર જારી રહ્યો છે. આજે એકબાજુ વિપક્ષે સંયુક્ત બેઠક યોજી હતી. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સાથી પક્ષોની સાથે બેઠક કરી હતી. વિપક્ષે પણ આક્રમક રણનિતી બનાવી લીધી છે. બપોરે બે વાગેની આસપાસ આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે બેઠક યોજી હતી. ત્રિપલ તલાક બિલ પર રાજયસભામાં ચર્ચા કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે, ગુરુવારના દિવસે ત્રિપલ તલાક બિલ ૨૦૧૮ લોકસભામાં પાસ થઇ ગયું હતું.
લોકસભામાં વર્તમાન ૨૫૬ સાંસદોમાંથી ૨૪૫ સભ્યોએ તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે ૧૧ સભ્યોએ વિરોધ કર્યો હતો. આની સાથે જ ગૃહમાં અસાસુદ્દીન ઓવૈસીએ ત્રણ સુધારા પ્રસ્તાવને પણ મંજુરી મળી ન હતી. અન્ય કેટલાક સુધારા પ્રસ્તાવને પણ મંજુરી મળી ન હતી. કોંગ્રેસ અને અન્નાદ્રમુકના સભ્યોએ બિલના વિરોધમાં વોકઆઉટ કર્યો હતો. વોટિંગના ગાળા દરમિયાન ઉપસ્થિત રહ્યા ન હતા. સમાજવાદી પાર્ટીના સભ્યોએ પણ વોટિંગમાં ભાગ લીધો ન હતી.
આવતીકાલે પણ કોંગ્રેસ પાર્ટી અને અન્ય પક્ષો આવું જ વલણ અપનાવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. વિરોધ પક્ષોની માંગ છે કે, આ બિલને સિલેક્ટ કમિટિને મોકલવામાં આવે તે જરૂરી છે. બંને ગૃહોની સંયુક્ત કમિટિને આ બિલ મોકલી દેવાની માંગ કરવામાં આવી છે. બિલમાં ચકાસણી થઇ શકે તેવી રજૂઆત કોંગ્રેસ તરફથી કરવામાં આવી હતી. અન્ના દ્રમુક, ટીએમસી અને અન્યોએ પણ આવી જ રજૂઆત કરી છે. એનસીપી તરફથી પણ આવી જ માંગ કરવામાં આવી હતી.