નવી દિલ્હી : ત્રિપલ તલાક બિલને લઇને રાજ્યસભામાં ઉગ્ર અને ગરમાગરમ ચર્ચા જામી હતી. ચર્ચા દરમિયાન રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે સરકારના ઇરાદા ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, મુસ્લિમોના ઘરને બરબાદ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, ત્રિપલ તલાકના બદલે મોબ લિંચિંગને લઇને કાયદો બનાવવામાં આવે તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મોબ લિંચિંગને લઇને કોઇ કાનૂન બનાવવાના પ્રયાસ થઇ રહ્યા નથી.
આઝાદે કહ્યું હતું કે, બિલ એક અલગ વિષય છે પરંતુ તેની પાછળ ઇરાદા જુદા છે. બિલ પરિણિત મુસ્લિમ મહિલાઓના અધિકારોનું રક્ષણ કરે છે પરંતુ ઇરાદા મુસ્લિમ પરિવારોને તબાહ કરવાના છે. કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, એક દોઢ વર્ષ પહેલાથી જ તેઓ સમજી ગયા હતા કે, મુસ્લિમ મહિલાઓના નામ ઉપર મુસ્લિમોને ખતમ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. આઝાદે આક્રમક નિવેદન કરતા કહ્યું હતું કે, મોબ લિંચિંગના બનાવો બને છે ત્યારે સરકાર કોઇ પાર્ટીનું અપમાન થાય છે.
મુસ્લિમોના ઘરમાં ઘરના ચિરાગને જ આગ લગાવવામાં આવી રહી છે. ઘર પણ આવી સ્થિતિમાં બળી જશે અને કોઇને વાંધો પણ થશે નહીં. કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, સિવિલ કોન્ટ્રાક્ટ તરીકે લગ્ન છે. આને હવે ક્રિમિનલ સ્વરુપ આપવામાં આવી રહ્યું છે. અગાઉ પણ તત્કાલિન મંત્રી અનંતકુમાર તેમની પાસે આવ્યા હતા. તે વખતે તેઓએ વાંધો ઉઠાવ્યો હતો પરંતુ આ વાંધાઓને દૂર કરવામાં આવ્યા ન હતા. કોસ્ટમેટિક સર્જરી કરવામાં આવી છે. એક-દોઢ કલાક સુધી ચાલેલી ચર્ચા દરમિયાન તેઓએ એ વખતે કહ્યું હતું કે, ઇસ્લામમાં લગ્ન એક સિવિલ કોન્ટ્રાક્ટ તરીકે છે. આને ક્રિમિનલ સ્વરુપ આપવામાં આવી રહ્યું છે. પતિ જા જેલમાં રહેશે તો ભથ્થા કોણ ચુકવશે તે પ્રશ્ન છે.