ત્રિપલ તલાકનો કાયદો છતાં પતિએ પત્નિને તલાક આપ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ત્રિપલ તલાકનો કાયદો અમલમાં આવ્યા બાદ અમદાવાદમાં જુહાપુરાની પરિણીતાએ પતિ અને સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક તેમજ ત્રિપલ તલાકના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી છે. પતિએ પત્નીને ઘરે પરત લાવવા પિયરમાંથી રૂપિયાની માંગ કરી હતી જેના માટે ના પાડતા પતિએ ત્રણ વાર તલાક તલાક બોલી છૂટાછેડા આપી દીધા હતા. આ બનાવને પગલે સમગ્ર મુસ્લિમ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ખાસ કરીને મુસ્લિમ મહિલાઓમાં ભારે રોષની લાગણી ફેલાયેલી જાવા મળી છે અને કાયદો અમલમાં આવ્યો હોવાછતાં શા માટે તેનું પાલન નથી કરાઇ રહ્યું તેવો ગંભીર સવાલ ઉઠાવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના જુહાપુરા વિસ્તારમાં અલઅમીના સોસાયટીમાં રહેતી ખુશ્બુબાનું શેખના નવ મહિના પહેલા દરિયાપુરમાં રહેતા સોહેલ શેખ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બે માસ સુધી પતિ અને સાસરિયાઓએ સારો વ્યવહાર કર્યો હતો. પરંતુ બાદમાં સાસુ અને સસરાએ નાની-નાની વાતમાં બોલાચાલી શરૂ કરી હતી. નવો ધંધો શરૂ કરવા સોહેલે ખુશ્બુબાનુને પિયરમાંથી રૂપિયા લઈ આવવા કહ્યું હતું. જેથી તેના પિતાએ બે લાખ રૂપિયા આપ્યા હતા. ભાઈઓને ઘરે જતી ત્યારે શંકા કરી તારે કોઈ સાથે અફેર છે તેમ કહી માનસિક ત્રાસ આપતો હતો.

રમઝાન મહિનામાં ખુશ્બુબાનું બીમાર પડી હતી ત્યારે દવા ન કરાવતા ખુશ્બુબાનું તેના પિયર જતી રહી હતી. ગત તા. ૧૯ ઓગસ્ટના રોજ સોહેલે આવીને કહ્યું હતું કે, ઘરે આવવું હોય તો તારા પિતા પાસેથી એક લાખ રૂપિયા લઈ આવજે. જે માટે ના પાડતા સોહેલે હવે મારે તારી જરૂર નથી કહી ત્રણ વાર તલાક તલાક બોલી છૂટાછેડા આપી જતો રહ્યો હતો. જેને પગલે યુવતીએ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વેજલપુર પોલીસે આ મામલે જરૂરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Share This Article