નવીદિલ્હી : રાજ્યસભામાં સુધારવામાં આવેલા ત્રિપલ તલાક બિલને લઇને ગતિરોધ અકબંધ છે ત્યારે આ મામલાને લઇને હવે રાજકીય રંગ આપવાના પ્રયાસ થઇ રહ્યા છે. સાંપ્રદાયિક રંગ આપવાના પ્રયાસો શરૂ થતાં વિવાદ થઇ ગયો છે. કોંગ્રેસના એક રાજ્યસભા સાંસદ દ્વારા ભગવાન રામને લઇને આપવામાં આવેલા નિવેદન ઉપર વિવાદ થયો છે.
આજે સવારે કોંગ્રેસ સાંસદ હુસૈન દલવાઈએ કહ્યું હતું કે, અમારા સમાજના પુરુષ વર્ગનું મહિલાઓ ઉપર પ્રભુત્વ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભગવાન રામે પણ એક વખતે શંકા રાખીને પોતાના પત્નિ સીતાને છોડી દીધી હતી. આવી સ્થિતિમાં અમે પરંપરાને જ પૂર્ણરીતે બદલવાની જરૂર છે. દલવાઈએ કહ્યું હતું કે, માત્ર મુસ્લિમો જ નહીં હિન્દુ, ખ્રિસ્તી, શિખ સહિતના સમાજમાં મહિલાઓની સાથે અન્યાયપૂર્વકનું વર્તન થઇ રહ્યું છે. ભાજપે આ સંદર્ભમાં માફી માંગવા રાહુલ ગાંધી સમક્ષ રજૂઆત કરી છે.