અમદાવાદ : ટ્રેનમાં સીટ ખાલી હોય ત્યારે વેઇટિંગમાં હોય તેવા મુસાફરોને હવે ટ્રેનમાં સરળતાથી જ સીટ મળી જશે, કારણ કે વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં એ રેલવે મુસાફરોને જણાવશે. ટૂંક સમયમાં જ પશ્ચિમ રેલવે ટિકિટ ચેકરને એચએચટી એટલે કે હેન્ડ હેલ્ડ ટર્મિનલ ડિવાઇસ આપશે.
આ ડિવાઇસ સીધી રીતે રેલવે સોફ્ટવેર સાથે જોડાયેલ હોવાથી ટ્રેનમાં સીટ ખાલી રહેશે તો ટિકિટ ચેકર વેઇટિંગ લિસ્ટના મુસાફરોને સીટ આપી દેશે એટલું જ નહીં, પેસેન્જરને વોટ્સએપ પર મેસેજથી જાણ કરાશે. રેલ્વેમાં મુસાફરી કરતાં પેસેન્જરોની સુવિધાને લઇ રેલ્વે તંત્ર દ્વારા વધુ એક હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે. આ નવતર સીસ્ટમનો બીજા ફાયદો એ થશે કે, જે તે સ્થળે ટ્રેન પહોંચશે તો તેની આગળના સ્ટેશનના મુસાફર કરન્ટમાં પણ ખાલી સીટનું બુકિંગ કરાવી શકશે, કારણ કે છેલ્લી ઘડીએ ટિકિટ કેન્સલ કરાવનારા મુસાફરની માહિતી પણ ડિવાઇસમાં દેખાશે.
રાજધાની-શતાબ્દીથી આ સેવાની શરૂઆત કરાશે. રેલવેએ સોફ્ટવેરનું સંચાલન કરતી સંસ્થાને આ કામ સોંપ્યું છે, જેમાં પશ્ચિમ રેલવેએ પહેલા તબક્કામાં ૭૬ એચએચટી-હેન્ડ હેલ્ડ ટર્મિનલ ડિવાઇસ આપ્યાં છે. ૭૬ પૈકીના પર મુંબઈ ડિવિઝનને અને રર અમદાવાદ ડિવિઝનને આપવામાં આવ્યાં છે. રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસમાં ટૂંક સમયમાં સૌપ્રથમ ડિવાઇસ લાગશે. રેલવેના અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેનની વર્તમાન સીટની સ્થિતિ જાણી શકાશે. ડિવાઇસથી વેઇટિંગના મુસાફરોની ટિકિટ પણ કન્ફર્મ થઈ જશે. આઇઆરસીટીસીએ વેબસાઈટમાં સુધારો કર્યો છે તે મુજબ હવે ટ્રેનનો સમય, સીટની સ્થિતિ જાણવા સાઈટ પર લોગ ઈન કરવાની જરૂર નહીં પડે એક સમયે વેઇટિંગ લિસ્ટ કે આરએસીમાં લીધેલી ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં તેન ટ્રેનનો ચાર્ટ બન્યા બાદ ખબર પડતી હતી, જેના કારણે લોકો ટિકિટ હોવા છતાં ચાર્ટ બને ત્યાં સુધી ટેન્શનમાં રહેતા હતા. ત્યારબાદ રેલવેતંત્રએ ગત વર્ષે પેપરલેસ પ્રક્રિયા શરૂ કરતાં ચાર્ટ સિસ્ટમ બંધ કરાઈ હતી. આઈઆરસીટીસીની વેબસાઈટ સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ (ક્રિસ) દ્વારા તૈયાર કરેલ એલ્ગોરિધમની મદદથી પેસેન્જરને બતાવશે કે વેઇટિંગ લિસ્ટવાળી ટિકિટ કન્ફર્મ થવાની કેટલી શક્યતા છે અને જ્યારે વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થશે ત્યારે તેની જાણ ટીટીઈ સહિત રેલવેતંત્રને થશે અને સાથે-સાથે ટિકિટ કન્ફર્મ થયાનો મેસેજ પણ પ્રવાસીને મળી જશે. આ સોફ્ટવેર તૈયાર કરવા માટે રેલવે દ્વારા છેલ્લાં ૧૩ વર્ષના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રેલ્વેના મુસાફરોને આ સુવિધાથી મોટી રાહત થશે તે નક્કી છે.