નવી દિલ્હીઃ ટિકિટ કેન્સેલેશન બાદ બુકિંગ એમાઉન્ટના રિફન્ડને લઈને ભારતીય રેલવેના નિયમ ખૂબ કઠોર છે. આને લઈને યાત્રીઓ ઘણી વખત સાવધાન રહેતા નથી. કેટલીક વખત યાત્રીઓને પોતાના પ્રવાસ આયોજનમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવાની ફરજ પડે છે. આના માટે ખરાબ હવામાન, પારિવારિક કારણ અથવા તો આરોગ્ય જેવા કારણો જવાબદાર હોય છે, પરંતુ આઈઆરસીટીસીના રિફંડના નિયમોને લઈને ખૂબ સાવચેતી રાખવામાં આવે તે જરૂરી છે.
રિફંડ સાથે જોડાયેલા નિયમો જાણીને ટિકિટ કેન્સેલેશનની સ્થિતિમાં પૈસા બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. ટિકિટ કેન્સલ કરવાની સ્થિતિમાં કઈ રીતે રિફંડ મળી શકે છે તેને લઈને નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈ કન્ફર્મ ટિકિટને ટ્રેન રવાના થવાથી ૪૮ કલાક પહેલા કેન્સલ કરાવવામાં આવે છે તો એસી ફર્સ્ટક્લાસ, એક્ઝીક્યુટીવ ક્લાસ માટે ૨૪૦ રૂપિયા, એસી-૨ ટાયર ફર્સ્ટ ક્લાસ માટે ૨૦૦ રૂપિયા, એસી-૩ ટાયર, એસી ચેયર કાર, એચી-૩ ઈકોનોમી, સ્લીપર ક્લાસ માટે ૧૨૦ રૂપિયા અને સેકન્ડ ક્લાસ માટે ૬૦ રૂપિયા કેન્સેલેસન ફી આપવી પડે છે. જો કોઈ કન્ફર્મ ટિકિટ ટ્રેન રવાના થવાથી ૪૮ કલાકમાં અને ૧૨ કલાક પહેલા સુધી કેન્સલ કરવામાં આવે છે તો નિયમ મુજબ ભાડાની રકમ પૈકી ફ્લેટ ૨૫ ટકા કેન્સેલેશન ચાર્જ તરીકે લેવામાં આવે છે.
આવી જ રીતે કોઈ કન્ફર્મ ટિકિટને ટ્રેન રવાના થવાથી ૧૨ કલાકથી ચાલ કલાક પહેલા સુધી કેન્સલ કરાવવામાં આવે છે તો ૫૦ ટકા બુકિંગ એમાઉન્ટ કેન્સેલેશન ચાર્જ તરીકે કાપી લેવામાં આવે છે. આવી જ રીતે કન્ફર્મ ઈ-ટિકિટ જો ટ્રેન રવાના થવાથી ચાર કલાક પહેલા સુધી કેન્સલ કરાવવામાં આવે છે તો કન્ફર્મેશન રિઝર્વેશન ટિકિટ પર કોઈપણ પ્રકારના રિફંડ મળતા નથી. આવી જ રીતે ટ્રેન રવાના થવાથી ૩૦ મિટનિ પહેલા સુધી જો આરએસી ઈ-ટિકિટને રદ કરવામાં આવી નથી અને ટીડીઆર ફાઈલ કરવામાં આવ્યા નથી તો રિફંડ મળતા નથી. યાત્રીઓને સાવધાની રાખવી જરૂરી છે.