રાયબરેલી : ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં આજે વહેલી પરોઢે ન્યુ ફરક્કા એક્સપ્રેસ ટ્રેનના છ બોગી પાટા પરથી ખડી પડતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થઇ ગયા હતા અને ૩૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. ભારતમાં માત્ર છ વર્ષના ગાળામાં જ ૫૯૦થી વધારે અક્સમાતો થયા છે. એવું જાણવા મળ્યું છે કે, છેલ્લા છ વર્ષના ગાળામાં ૫૯૦ ટ્રેન અકસ્માતો થઇ ચુક્યા છે જે પૈકી પાટા પરથી ખડી પડવાના કારણે ૫૩ ટકા ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે.
છતાં રેલવે તંત્ર દ્વારા સુરક્ષાના નામ ઉપર ઓછા પગલા લેવાયા છે. રેલવે તંત્રને અપગ્રેડ કરવા અને આવા બનાવોને રોકવા માટે શ્રેણીબદ્ધ પગલાઓની ઘોષણા સતત થતી રહી છે પરંતુ અકસ્માતોનો દોર જારી રહ્યો છે. આજે બુધવારે સવારે પણ ન્યુ ફરક્કા એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી હતી. તે પહેલા ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગર નજીક ઉત્કલ એક્સપ્રેસના ૧૪ કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. નવેમ્બર ૨૦૧૪ બાદથી ૨૦ રેલવે અકસ્માતો થઇ ચુક્યા છે જે પૈકી કેટલાક નજીવા અકસ્માતો થયા છે. ૨૦મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી.
એ વખતે ઇન્દોર-પટણા એક્સપ્રેસ કાનપુર નજીક ખડી પડતા ૧૫૦ના મોત થયા હતા અને ૧૫૦ લોકો ઘાયલ થયા હતા. મધ્યપ્રદેશમાં ચોથી ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે ટ્વીન રેલવે દુર્ઘટના થઇ હતી તે દિવસે વારાણસી તરફ આવી રહેલી કામખ્યા એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી હતી. ત્યારબાદ જનતા એક્સપ્રેસ પણ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી જેમાં બંને બનાવને ગણીને ૩૧ લોકોના મોત થયા હતા અને ૧૦૦ લોકો ઘાયલ થયા હતા. ૨૫મી મે ૨૦૧૫ના દિવસે ઉત્તર પ્રદેશમાં રોરકેલા-જમ્મુતવી દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી.