અમદાવાદ: અમદાવાદમાં ચાલી રહેલી ટ્રાફિક અને સફાઈ ઝુંબેશથી શહેરની કાયાપલટ થઈ રહી છે ત્યારે આજે અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જે દરમ્યાન શહેરમાં સવારે ૭ વાગ્યા બાદ પ્રવેશતી ૧૧ લકઝરી બસને એલિસબ્રિજ પોલીસે ડિટેઈન કરી હતી. સાથે જ લકઝરી બસના ડ્રાઈવરો વિરૂદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિક પોલીસની ડ્રાઇવ અને આજની અસરકારક કાર્યવાહીને પગલે શહેરમાં અન્ય વાહનચાલકો ખાસ કરીને લકઝરીચાલકો અને ડ્રાઇવરોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા માટે ગ્રીન ‘ફ્રી લેફ્ટ’નો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. શહેરભરના ટ્રાફિક પોઇન્ટ્સ પર ડાબી બાજુએ વળવા માટે વાહનચાલકોને રસ્તો ખુલ્લો મળે તે માટે લીલા રંગના પટ્ટા દોરવામાં આવશે, જેની શરૂઆત શાહીબાગ ડફનાળા ચાર રસ્તા પાસે કરવામાં આવી છે. ગ્રીન રંગના પટ્ટાની અંદરની બાજુએ ઊભા રહેનારા વાહનચાલકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે. સોમવારે શાહીબાગ ડફનાળા પાસે ડાબી તરફ વળનારાં વાહનોને અડચણરૂપ ગ્રીન પટ્ટામાં ઊભા રહેલાં ૨૭૦ વાહનચાલકોને દંડાયા હતા, જેમાંથી પાંચ વાહન ડીટેન કરાયાં હતાં. આ ગ્રીન પટ્ટા ટૂંક સમયમાં શહેરના અન્ય ચાર રસ્તા પર પણ મૂકવામાં આવશે.
બીજીબાજુ, આજે શહેર ટ્રાફિક પોલીસની ડ્રાઇવ દરમ્યાન શહેરમાં સવારે ૭ વાગ્યા બાદ પ્રવેશતી ૧૧ લકઝરી બસને એલિસબ્રિજ પોલીસે ડિટેઈન કરી હતી, જેને પગલે વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જાગૃત નાગરિકોએ ટ્રાફિક પોલીસની સઘન અને કડક કાર્યવાહીની સરાહના પણ કરી હતી. છેલ્લા કેટલાક દિવસથી ફરી એકવાર ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.