અમદાવાદઃ 2019ના વર્ષમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. વિતેલા વર્ષને વિદાય આપી નવા વર્ષની ઉજવણી કરતા અનેક યુવાઓ ડાન્સ પાર્ટીઓમાં મસ્ત અને વ્યસ્ત છે, ત્યારે નવા વર્ષને વધાવવા માટે શહેરના એક બાઇકર્સ જૂથ દ્વારા ટ્રાફિક પ્રત્યે જાગૃતતા લાવવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. શહેરના પકવાન ચાર રસ્તાથી શરૂ થઇ ઉજાલા ચોકડી સુધીના સર્ક્યુલર રૂટમાં આયોજિત આ રેલીમાં આશરે 20 જેટલા બાઇક સવારો સહિત 25 લોકો જોડાયા હતા.
આયોજિત રેલીના મુખ્ય આયોજક સયુજ્ય ગોકાણી 60થી વધુ રાઇડ પુરી કરનાર એક યુવા બાઇક રાઇડરની સાથેસાથે વિદેશમાં અભ્યાસ કરી રહ્યાં છે. તેઓ કેટલાંક વર્ષોથી શહેરમાં ટ્રાફિક જાગૃતતાને લઇને કાર્યરત છે. તેઓ આ રેલી વિશે જણાવતા કહ્યું, “જ્યારે આપણે રોડ પર બાઇક ચલાવી રહ્યા હોઇએ છીએ ત્યારે એવી કેટલીક બાબતોની અવગણના કરતા હોઇએ છીએ, જે ખરેખર અન્ય વાહન ચાલકો, પદયાત્રીઓ અને પોતાના માટે પણ સુરક્ષિત હોતી નથી. નવા વર્ષની ઉજવણી કરવા માટે આ અમારો અનોખો પ્રયોગ છે, જેથી અમે ઉજવણીની સાથે સાથે ટ્રાફિક વિશેની જાગૃતતા પણ ફેલાવી શકીએ. અમારા આ પ્રયત્નમાં 20 જેટલા બાઇકર્સ જોડાયા હતા અને વિવિધ પ્લેકાર્ડ્સ સાથે લોકોને ટ્રાફિક અવેરનેસનો સંદેશો આપ્યો હતો. રેલીમાં જોડાયેલા બાઇકર્સે પણ ટ્રાફિક સમસ્યાને હળવી બનાવવા માટે નિયમોના પાલનની પ્રતિજ્ઞા પણ લીધી હતી.”
આ રેલી દરમિયાન વાહન ચલાવતી વખતે કેટલીક ખાસ ધ્યાનમાં રાખવા જેવી પાયાની બાબતોને લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. જેમ કે,
- બાઇક ચલાવતી સમયે ‘નો મ્યુઝિક ઓન ઇયર-ફોન્સ’
- ટ્રાફિક પોલિસને હંમેશા સહયોગ આપો, જેઓ તમારી સુરક્ષા માટે દિવસ-રાત કાર્યરત છે
- રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ ન કરવુ
- બાઇક ચલાવતા સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળો
- હંમેશા લેનમાં ડ્રાઇવિંગ કરી સુરક્ષિત રહો
- વાહન ચલાવતી વખતે હંમેશા હેલમેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ અવશ્ય કરો
- ચાર રસ્તા કે ટ્રાફિક સિગ્નલ પર સંયમ રાખો
- પદયાત્રીઓ અને સાઇકલ સવારોને હંમેશા પ્રાધાન્ય આપો
સયુજ્ય ગોકાણીએ વધુમાં જણાવ્યું કે યુવા બાઇક રાઇડર્સે ગતિની મજાને ધ્યાનમાં ન રાખતા સુરક્ષાને પ્રાધાન્ય આપવું જોઇએ. હંમેશા હેલમેટ પહેરીને જ બાઇક ચલાવવું જોઇએ, કારણ કે જીવન બહુમૂલ્ય છે અને હોસ્પિટલના ખર્ચા કરતા હેલમેટનો ખર્ચો ઓછો હોય છે. શહેરમાં રોડ ટ્રાફિકને લઇને વધતી સમસ્યાનું સમાધાન મેળવવું હોય તો આપણે પોતે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ રહ્યું. અમારી આ પહેલમાં વધુને વધુ લોકો સ્વયં રીતે જોડાય તે અમારી અપીલ છે. આ રેલીમાં અમારા સહયોગીઓનો પણ હું આભાર વ્યક્ત કરૂં છું.