અમદાવાદ: દિવાળી, વેકેશન સહિતના તહેવારો અને પ્રસંગોપાત ફેમીલી સાથે વિવિધ પ્રવાસ અને ટુર પર જતાં નાગરિકોને છેતરતા અને ટુર દરમ્યાન ખામી ભરી સેવા આપવાના પ્રકરણમાં અમદાવાદ ગ્રાહક ફોરમે આવા બદમાશ અને લેભાગુ ટુર ઓપરેટરોને લપડાક મારતો મહત્વનો ચુકાદો આપ્યો છે અને પ્રવાસી ગ્રાહકોને વ્યકિત દીઠ રૂ.૮૫૦૦ના વળતર સહિત કુલ રૂ.૧,૧૩,૫૦૦ ૯ ટકાના વાર્ષિક વ્યાજ સાથે ચૂકવી આપવા શિવગંગા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને હુકમ કર્યો હતો. ઉપરાંત, પ્રવાસીઓને માનસિક ત્રાસ અને આઘાત બદલ પરિવારદીઠ રૂ.૧૦ હજારનું વળતર ચૂકવવા પણ ગ્રાહક ફોરમે શિવગંગા ટ્રાવેલ્સને ફરમાન કર્યું છે.
અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમના આ મહત્વના ચુકાદાને આવકારતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, નિર્દોષ નાગરિકો અને ગ્રાહકોને લૂંટતા ટુર્સ અને ટ્રાવેલ્સ ઓપરેટરો માટે ગ્રાહક ફોરમનો આ ચુકાદો લપડાક સમાન છે. જાગૃત ગ્રાહકોએ પણ તેના પ્રવાસ કે ટુર દરમ્યાન ટ્રાવેલ્સ કે ટુર ઓપરેટર દ્વારા જા સેવામાં ખામી, બેદરકારી કે નિષ્કાળજી દાખવાય તો ગ્રાહક ફોરમમાં આ પ્રકારે ન્યાય મેળવી શકે છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્ટેડિયમ વિસ્તારમાં આવેલી શિવગંગા ટ્રાવેલ્સ અને એલિસબ્રીજની ચૌધરી યાત્રા કંપની પ્રા.લિની છેતરપીંડી અને ગંભીર બેદરકારી અને ખામીયુકત સેવાનો ભોગ બનનાર ગ્રાહકો તરફથી ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક ફોરમમાં ચાર અલગ-અલગ કેસ દાખલ કરી જણાવ્યું હતું કે, શિવગંગા ટ્રાવેલ્સ અને ચૌધરી યાત્રા કંપની પ્રા.લિ દ્વારા તા.૧૪-૧૧-૨૦૧૨ના નૂતન વર્ષના દિવસથી તા.૨૩-૧૧-૨૦૧૨નો ૯ દિવસનો મધ્યપ્રદેશના કાન્હા જંગલો, ઉજ્જૈન, પંચમઢી, જબલપુર, ઇન્દોર સહિતના સ્થળોનો પ્રવાસ ઉપાડયો હતો, જેમાં શહેરના ફરિયાદી ગ્રાહકો આસિત આર.શાહ, ભરત બી.પટેલ, પ્રહલાદ પટેલ અને ભાસ્કર સોની સહિત ૧૪ લોકો પણ સામેલ થયા હતા. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો.
બસ ઉપડવાનો સમય રાત્રે નવ વાગ્યાનો હતો પરંતુ તેમ છતાં પ્રવાસીઓને પાલડી ઓફિસથી પાંચ-પાંચ કલાક સુધી રસ્તા પર સામાન સાથે બેસી રહીને બસની રાહ જાવી પડી હતી. પ્રવાસીઓએ પોતાના પૈસા રિફંડની માંગણી કરી તો ટુર ઓપરેટર અને સ્ટાફ દ્વારા નિર્દોષ ગ્રાહકો સાથે ઉધ્ધતાઇભર્યુ અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું. એટલું જ નહી, શરૂઆતથી જ પ્રવાસ મોડો શરૂ થતાં પ્રવાસીઓને સાઇટ સીન જાવા ના મળ્યા, ઉજ્જેનમાં મહાકાલેશ્વર મહાદેવના દર્શન પણ ના થયા. પંચમઢી હોટલમાં રોકાણની વ્યવસ્થા નહી કરવામાં આવતાં પ્રવાસીઓને અંદરોઅંદર જાતે રૂ.૨૧ હજાર ખર્ચી હોટલમાં રોકાણ કરવું પડયું હતું. આટલુ ઓછુ હોય તેમ, પ્રવાસીઓને લકઝરી બસમાં ડિઝલ પુરાવવા અને હોટલના ખર્ચાઓ જાતે ચૂકવવા પડયા હતા. ટુર ઓપરેટરે કેટલાક સ્થળોએ તો એડવાન્સ બુકીંગ પણ કરાવ્યું ન હતું, જેના કારણે પ્રવાસીઓને સમગ્ર ટુર દરમ્યાન ભારે હાલાકી, મુસીબત અને તકલીફોનો ભોગ બનવું પડયુ હતુ અને તેના કારણે પ્રવાસની મોજ મરી ગઇ હતી.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતના પ્રમુખ મુકેશ પરીખે કસૂરવાર ટુર અને ટ્રાવેલ્સ વિરૂદ્ધ સબકસમાન શિક્ષાત્મક હુકમ કરી તમામ પ્રવાસીઓને પૂરતું અને યોગ્ય વળતર અપાવવા માંગણી કરી હતી, જે દલીલ ગ્રાહક ફોરમે ગ્રાહ્ય રાખી હતી અને ઠરાવ્યું હતું કે, ટુર ઓપરેટરો પ્રવાસના પૂરેપૂરા એડવાન્સ રકમ વસૂલ કર્યા બાદ જ પ્રવાસ શરૂ કરાવે છે. ટુર ઓપરેટરોની ભયંકર બેદરકારી, નિષ્કાળજી અને ગેરવાજબી વેપારી નીતિ છતી થાય છે અને ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે સેવામાં ખામી અને અનફેર ટ્રેડ પ્રેકટિસ સાબિત થાય છે. આ સંજાગોમાં ફરિયાદી પ્રવાસીઓ યોગ્ય વળતર મેળવવા હકદાર ઠરે છે.