અમ્યુકો દ્વારા વર્ષ ૨૦૦૮થી યોજવામાં આવતા કાંકરિયા કાર્નિવલનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો ત્યારે છેલ્લાં ૧૦ વર્ષમાં કાંકરિયા કાર્નિવલના ખર્ચમાં ત્રણ ગણો જેટલો નોંધનીય વધારો નોંધાયો છે. દર વર્ષે તા.૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા લેક ખાતે આ ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે લગભગ ૨૫ લાખથી વધુ સહેલાણીઓ કાંકરિયા કાર્નિવલનો આનંદ માણવા આવે છે. જો કે, કાંકરિયા કાર્નિવલની ઉજવણી પાછળ છેલ્લા ૧૦ વર્ષમાં લગભગ રૂ.૩૧ કરોડ જેટલો ખર્ચો કરવામાં આવ્યો છે. કાર્નિવલ પાછળ વર્ષ ૨૦૦૯માં ૧ કરોડ ૬૩ લાખ જેટલો ખર્ચ કરવામાં આવતો હતો. જે ચાલુ વર્ષે ત્રણ ગણો વધીને રૂ.૫ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જેમાં આતશબાજી પાછળ જ લગભગ રૂ. ૧૫ લાખનો ખર્ચ થશે. તો ફુડ પેકેટનો ખર્ચ રૂ.૫૦ લાખ અને મંડપ ડેકોરેશનનો ખર્ચ રૂ.૭૦ લાખથી વધુ થવાનો છે.
કાંકરિયા કાર્નિવલમાં અમ્યુકો દ્વારા દર વર્ષે ટેન્ડર બહાર પાડી ફૂડ પેકેટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે ટેન્ડર બહાર પાડવાની જગ્યાએ ક્વોટેશનથી જ કોન્ટ્રાક્ટ આપી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ ભગવતી કેટરર્સને ફૂડ પેકેટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કાંકરિયા કાર્નિવલનો ખર્ચ દર વર્ષ કરતા રૂ.બે કરોડનો ઓછો ખર્ચ થશે તેવો સંબંધિત કર્મચારીઓએ દાવો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨૦૧૫માં પબ્લીસીટી વિભાગ દ્વારા કાંકરિયા કાર્નિવલના મંડપ ડેકોરેશન પાછળ રૂ.૬૪.૮૬ લાખનો ખર્ચ કર્યો હતો. જ્યારે સાઉન્ડ સીસ્ટમ પાછળ રૂ.૩૭.૯૬ લાખ, ફોટો-વીડિયોગ્રાફીનો રૂ.૩૦.૯૯ લાખનો ખર્ચ, આતશબાજી પાછળ રૂ.૧૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
જો કે, કાર્નિવલ સાથે સંકળાયેલા સ્ટાફ, કલાકારોના ચા-નાસ્તા અને જમણનો ખર્ચ તો આતશબાજી કરતાં પણ વધુ એટલે કે રૂ.૧૩.૩૦ લાખ થયો હતો. પબ્લીસીટી વિભાગ દ્વારા પીવાનું પાણી અને વોકીટોકી સેટ ખરીદવા રૂ.૧૧.૬૫ લાખ ખર્ચાયા હતા. આ ઉપરાંત ફ્લાવર ડેકોરેશન, સાંસ્કૃતિક પ્રદર્શન વગેરે વિવિધ પ્રકારના આયોજન સહિતનો સમગ્ર કાર્નિવલનો કુલ ખર્ચ રૂ.૩ કરોડ ૧૫ લાખનો હતો. જ્યારે વર્ષ ૨૦૧૬માં મંડપ ડેકોરેશનનો ખર્ચ વધીને રૂ.૬૭.૯૫ લાખ અને સાઉન્ડ સીસ્ટમનો ખર્ચ રૂ.૪૬.૫૨ લાખ થયો હતો. તેમજ એનાલીસ્ટને ૮૪ હજાર ચૂકવાયા હતા. ચા-નાસ્તા-જમણ પાછળ રૂ.૮.૮૬ લાખ ખર્ચાયા હતા. આમ કાંકરિયા કાર્નિવલ પાછળ કુલ રૂ.૪ કરોડનો ખર્ચ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, મનપાના બજેટ બેઠકમાં રામોલ-હાથીજણના કોર્પોરેટર અતુલ પટેલના એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી હતી.