કર્ણાટકમાં આજે જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધન વાળી સરકાર બનવા જઈ રહી છે, સાથે મુખ્ય પ્રધાન પદે જેડીએસના વડા કુમારસ્વામી શપથ ગૃહણ કરશે. ઉપ મુખ્ય પ્રધાનનું પદ કોંગ્રેસના જી. પરમેશ્વર સંભાળશે. બુધવારે જ કુમારસ્વામી અને પરમેશ્વર સાથે જ શપથ પણ ગૃહણ કરશે. મુખ્ય પ્રધાનનું પદ સામે ચાલીને કોંગ્રેસે જેડીએસના વડા કુમારસ્વામીને આપ્યું હતું જ્યારે ઉપ મુખ્ય પ્રધાન પદને લઇને ચર્ચાએ જોર પકડયું હતું, જોકે અંતે આ પદને લઇને પણ બન્ને પક્ષો વચ્ચે સમજુતી થઇ ગઇ છે.
કર્ણાટક કેબિનેટમાં એક જ ઉપ મુખ્ય પ્રધાન હશે. હાલ આ પદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પરમેશ્વરને આપવામાં આવ્યું છે. સાથે વિધાનસભાના સ્પીકર પણ કોંગ્રેસના જ હશે. સ્પીકરનું પદ કેઆર રમેશકુમારને આપવામાં આવ્યું છે. ગુરુવારે સ્પીકરને પસંદ કર્યા બાદ કુમારસ્વામી વિધાનસભામા બહુમત સાબીત કરશે. એવા અહેવાલો છે કે બન્ને પક્ષો વચ્ચે મંત્રી પદને લઇને પણ સમજુતી થઇ ગઇ છે. કોંગ્રેસના ૨૨ મંત્રી હશે જ્યારે જેડીએસના ફાળે ૧૨ મંત્રી આવશે. એટલે કે જેડીએસના મુખ્ય પ્રધાન હશે બાકી ૨૨ મંત્રી કોંગ્રેસના હશે, ઉપ મુખ્ય પ્રધાન અને સ્પીકર પણ કોંગ્રેસના જ હશે.
ઉલ્લેખનીય છે કે આ શપથગ્રહણ સમારોહમાં વીઆઇપી બેઠકોને લઇને પણ ભારે ચર્ચા ચાલી રહી છે. હાલ જેટલી પણ વીઆઇપી બેઠકો ફાળવવામાં આવી છે તેમાં કોંગ્રેસના ફાળે કેટલી આવશે અને જેડીએસ કેટલી લઇ જશે તેને લઇને અનેક અટકળો ચાલી રહી છે. સાથે ખેંચતાણ પણ જોવા મળી રહી છે. બુધવારે યોજાનારા શપથ ગૃહણ સમારોહમાં અખિલેશ યાદવ અને માયાવતીને પણ આમંત્રીત કરવામાં આવ્યા છે. એવા અહેવાલો છે કે કોંગ્રેસ અને જેડીએસના નેતાઓની સાથે આ બન્ને નેતાઓ પણ ડાયસ પર જોવા મળશે. ભાજપ વિરોધી પાર્ટીઓના મોટા ભાગના નેતાઓ આ સમારોહમાં હાજર રહે તેવી શક્યતાઓ છે, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, દેવગોડા ઉપરાંત અન્ય પક્ષોના દિગ્ગજ નેતાઓ તથા માયાવતી, અખિલેશ, ચંદ્રબાબુ નાયડુ, અરવિંદ કેજરીવાલ, વિજયન, મમતા બેનરજી સહીતના નેતાઓ હાજર રહેશે. આ સાથે જ દક્ષિણ ભારતથી લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં મહાગઠબંધનનું બ્યુગલ ફૂંકવામાં આવી શકે છે.