આયરલેન્ડ સામે આજે બીજો ટી20 મુકાબલો, ટીમ ઇંડિયા જીતી શકે છે શ્રેણી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારત અને આયરલેન્ડ વચ્ચે આજે સીરીઝની બીજી ટી20 મેચ ડબલિન ખાતે રમાશે. આ મેચને ભારતીય સમય પ્રમાણે રાત્રે ૮.૩૦ કલાકે નિહાળી શકાશે.

આ સીરીઝમાં કોહલી એન્ડ ટીમ પાસે શ્રેષ્ઠ તક છે. ૨ મેચની આ શ્રેણીમાં ભારતીય ટીમ આયરલેન્ડને ક્લિન સ્વીપ કરી શકે છે. ભારતીય ટીમ માટે આ શ્રેણી જીતવી એટલા માટે જરૂરી છે, કારણ કે તે આ શ્રેણી બાદ ઇંગલેન્ડ સામે તેમની જ ધરતી પર ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શ્રેણી રમવા જઇ રહી છે, જે ખૂબ જ પડકારજનક છે. આ સમયે આ શ્રેણી વિજય ભારતીય ટીમના આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે. આ વખતે ઇંગલેન્ડ સામેની ત્રણેય ફોર્મેટની સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખૂબ જ આશા દેખાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, આયરલેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં ભારતે પ્રશંસનીય રમત દર્શાવી જીત મેળવી છે. ભારતીય ટીમમાં ઘણા ખેલાડીઓને અજમાવવામાં આવ્યા. ઓપનીંગ બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન સારા ફોર્મમાં જોવા મળ્યા, તો સારી વાત એ રહી  કે નવી યુવા સ્પિનર જોડી વિદેશી ધરતી પર પોતાનો જાદુ ચલાવવામાં સફળ રહી. જેમાં કૂલદીપ યાદવે ૪ અને ચહલે ૩ વિકેટ એમ આયરલેન્ડની કુલ ૭ વિકેટ ખેરવી હતી. હવે જોવાનું રહ્યું કે ભારતીય ટીમ બીજી ટી20 મેચમાં કેવો કમાલ કરે છે અને સુકાની વિરાટ કોહલી આ મેચમાં બીજા કયા એક્સપેરીમેંટ કરે છે.

Share This Article