ગાંધીનગર : મહાત્મા ગાંધીના મંત્ર ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ને સાકાર કરવા રાજ્યની પ્રાથમિક શાળાઓને વધુને વધુ સ્વચ્છ- સુખડ બનાવવાના ઉમદા હેતુથી માસિક ધોરણે સ્વચ્છતા ગ્રાન્ટ આપવામાં આવે છે. આ અંતર્ગત તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ યોજના હેઠળ રાજ્યની પ્રાથમિક શાળાઓને વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૫૭.૦૭ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ, વડોદરાના ધારાસભ્ય શ્રી કેયુર રોકડિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું.

મંત્રી શ્રી ડિંડોરે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી પણ સ્વચ્છતાના આગ્રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ અનેકવિધ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યા છે જેમાં નાગરિકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળાદિઠ વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ પ્રતિમાસ રકમ ચૂકવવામાં આવ્યો છે. જેમાં ૦ થી ૧૦૦ સુધીની સંખ્યા હોય તો શાળાને પ્રતિ માસ રૂ. ૧૦૦૦/-, ૧૦૧ થી ૩૦૦ સુધી પ્રતિમાસ રૂ. ૧૮૦૦/-, ૩૦૧ થી ૫૦૦ સુધી પ્રતિમાસ ૪૦૦૦/- જ્યારે ૫૦૦ કે થી વધુ સંખ્યા હોય તેવી શાળાને પ્રતિ માસ રૂ. ૫૦૦૦/-ની રકમ સ્વચ્છતા માટે ફાળવવામાં આવે છે તેમ, મંત્રીશ્રી ઉમેર્યું હતું.