બજેટ સત્ર દરમિયાન સંસદીય સ્ટેન્ડિંગ કિમિટીએ દેશમાં કેન્દ્ર કે રાજ્યની સરકારી નોકરી ઇચ્છતા લોકો માટે ઓછામાં ઓછી પાંચ વર્ષની મિલિટરી સેવા ફરજીયાત કરવાની ભલામણ કરી છે. સંસદના ચાલુ બજેટ સત્રમાં સેનાના આધુનિકરણ અને સૈન્યમાં જવાનોની અછતના મુદ્દે ઉઠેલા સવાલોને ધ્યાનમાં રાખીને સંસદીય સમિતિએ ભલામણ કરતા કહ્યું કે, ‘કોઇપણ પ્રકારની સરકારી નોકરી માટે યુવાનોને પહેલા 5 વર્ષ સેનામાં ફરજ બજાવવી ફરજીયાત કરવું જોઈએ. ત્યાર બાદ જ તેઓ સરકારી નોકરી માટે એપ્લાય કરવા લાયક બને તેવી જોગવાઈ કરવી જોઇએ.’
આવી ટ્રેનીંગનો મૂળભૂત હેતુ એ છે કે સેનામાં પાંચ વર્ષ પસાર કર્યા બાદ જે તે વ્યક્તિમાં કામ પ્રત્યે નિષ્ઠા અને અનુશાસન આવે છે. સમિતિએ વધુમાં જણાવ્યું છે કે ભારતીય રેલવેથી લઈને અન્ય સેવાઓ માટે કુલ જેટલી અરજીઓ આવે છે તેનાથી અડધી સેનામાં જોડાવા માટે આવે છે. લોકો સરકારી નોકરીના લાભ તો લેવા માગે છે, પરંતુ સેનામાં જઈને દેશની સેવા કરવા માગતા નથી.’
તેમજ સમિતિ માની રહી છે કે આ પ્રકારનો નિયમ કરવાથી સેનામાં હાલ રહેલી જવાનોની અછતને પણ ભરી શકાશે. ત્યારે સમિતિએ કહ્યું કે જો તેમની આ ભલામણ સ્વીકારવામાં આવે છે તો રાજ્ય અને કેન્દ્ર સરકારને શિસ્તબદ્ધ અને કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ મળી રહેશે. તેમજ સેનામાં જવાનોની અછત સીધો જ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો હોઈ આ મુદ્દે તાત્કલિક પગલા ભરવામાં આવે તવું પણ સંસદીય સ્ટેન્ડિંગ સમિતિએ પોતાની ભલામણમાં જણાવ્યું હતું.