કોલકાતા : વડાપ્રધાન નરન્દ્ર મોદીએ આજે ટીએમસીના ૪૦ ધારાસભ્યો પાર્ટીના સંપર્કમાં હોવાની વાત કરીને ટીએમસીમાં ખળભળાટ મચાવી દીધો છે. ટીએમસી દ્વારા હોર્સટ્રેડિંગનો આક્ષેપ કર્યો છે. ટીએમસીના સભ્યોએ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવાની વાત કરી છે. ટીએમસી તરફથી સાંસદ ડેરેક ઓ બ્રાયને પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, વડાપ્રધાનના આ નિવેદન બાદ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવશે.
બેરેક ઓ બ્રાયને મોદીને એક્સપાયરી બાબૂ તરીકે સંબોધીને કહ્યું હતું કે, ટીએમસીના કોઇ નેતા ભાજપની સાથે જવા માટે તૈયાર નથી. તેમણે કહ્યું હતું કે, મોદી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સાથે સાથે હોર્સટ્રેડિંગ કરી રહ્યા છે. તેમની એક્સપાયરી ડેટ નજીક આવી પહોંચી છે. મોદીની સામે હોર્સટ્રેડિંગની ફરિયાદ કરવામાં આવનાર છે. પશ્ચિમ બંગાળના સેરમપુરમાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળના લોકોની સાથે મમતા બેનર્જીએ વિશ્વાસઘાત કર્યો છે. પ્રજા ભુલ માફ કરી શકે છે પરંતુ વિશ્વાસઘાતને માફ કરશે નહીં. ૨૩મી મેના દિવસે પરિણામ આવ્યા બાદ મમતાને છોડીને સભ્યો ભાગી જશે.