“મહેંદી તે વાવી માંડવેને એનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો” આવી પંક્તિઓ તમને ગરબા સિવાય લગ્નમાં જ સાંભળવા મળે. લગ્નવાળા ઘરમાં બે દિવસ પહેલાથી જ આ પ્રકારનાં ગીતો ગવાય. ખાસ કરીને મહેંદીની રસમમાં. કોઈ પણ દુલ્હન માટે મહેંદીનું આગવુ મહત્વ હોય છે. કેટલીક જગ્યાએ તો હાથમાં મહેંદી મૂકાવતી વખતે તેનાં ભાવિ પતિનું નામ પણ કોતરાવામાં આવે છે. મહેંદીમાં સૌથી વધુ મહત્વ તેનાં રંગનું છે. યુવતિઓ તેની મહેંદીનાં રંગને લઈને ખૂબ કોન્શિયસ હોય છે. એક લોકવાયકા છે કે જેટલો મહેંદીનો રંગ વધુ ઘેરો તેટલો તેનો પતિ તેને વધુ પ્રેમ કરે. યુવતિઓ મહેંદીનો રંગ ઘેરો લાગવા માટે કેટકેટલી મહેનત અને નુસખા કરતી હોય છે. કલાકો સુધી ભૂખ્યા તરસ્યા મહેંદીવાળા હાથ લઈને બેસી રહેવુ પડે છે. મહેંદીનો કલર ડાર્ક લાવવા અહીં કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે, જેનાં લીધે તમારી મહેંદીનો રંગ ઘેરો લાવી શકશો.
મહેંદીનો કોન બનાવતી વખતે મહેંદી પલાડવામાં આવે ત્યારે તેમાં થોડાં ટીંપા નીલગીરીનાં તેલનાં ઉમેરવાથી મહેંદીનો રંગ ઘેરો આવે છે.
- લીલી મહેંદીને વધુ સમય હાથ પર ટકાવી રાખવા રૂનું પૂમળું લઈને તેને ખાંડવાળા પાણીમાં બોળીને મહેંદી પર લગાવવામાં આવે છે.
- મહેંદી ઉખાડ્યા પછી હાથ પર બામ કે વિક્સ લગાવવાથી મહેંદીનો રંગ ઘેરો આવે છે.
- મહેંદીનો રંગ ઘેરો લાવવા મહેંદી કાઢયા પછી હાથ પર નીલગીરીનાં તેલની માલિશ કરવી.
- મહેંદી ઉખાડ્યા પછી એક ગરમ તવી પર થોડાં લવિંગ મૂકીને તેની પર થોડા ડિસ્ટન્સમાં હાથ રાખીને લવિંગનો શેક કરવાથી મહેંદી તેનો ઘાટ્ટો રંગ પકડે છે.