ડિસેમ્બર સુધી ભગવાન રામના મંદિર માટે ૫ હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read
File 02 Page 05

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ગુજરાત માંથી દાનની સરવાણી વહી
સૌથી વધુ દાન મોરારી બાપુ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ આપ્યું
સુરત
: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે લોકોએ ખોબલે ભરીને દાન આપ્યુ છે. હવે દેશભરમાં લોકોને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ પત્રિકા મળી રહી છે. ત્યારે રામ મંદિર માટે અનેક ગુજરાતીઓએ ખોબલે ભરીને દાન આપ્યુ છે. હવે આ ગુજરાતીઓને પણ આમંત્રણ મળ્યા છે. રામ મંદિર માટે સૌથી વધુ દાન કરનારાઓમાં ગુજરાતીઓના નામ ટોચ પર છે. મોરારી બાપુએ રામ મંદિર માટે ૧૬.૩ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણ માટે ૧૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. રામ મંદિર ટ્રસ્ટે દેશના ૧૧ કરોડ લોકો પાસેથી ૯૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ ડિસેમ્બર સુધી ભગવાન રામના મંદિર માટે ૫ હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. રામ મંદિર માટે ફાળો એકઠો કરવાનું અભિયાન, ૧૪ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ શરૂ કરાયું છે, જેમાં સૌથી પહેલો ફાળો રામનાથ કોવિંદ ૫ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રામ મંદિરના નિર્માણ માટે ૫ લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. તો સુરતનાં મહેશ કબૂતરવાલાએ ૫ કરોડ રૂપિયા મંદિર માટે દાન કર્યા છે. તેમનુ નામ ભારતના કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં ટોચ પર છે. તો સુરતના લવજી બાદશાહે ૧ કરોડનું દાન પણ કર્યું છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ દેશભરમાં આ માટેનો ઉત્સાહ વહી રહ્યો છે. ૨૨મી જાન્યુઆરીના કાર્યક્રમની તૈયારીઓ સમગ્ર દેશમાં થઈ રહી છે. ઐતિહાસિક મહોત્સવ માટે અયોધ્યામાં અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. આ દરમિયાન પ્રધાનમંત્રીના એક ટિ્‌વટથી લોકોના ઉત્સાહમાં વધારો થયો છે. દેશભરમાં લોકોને આમંત્રણ મોકલાઈ રહ્યાં છે. સમગ્ર વિશ્વમાં હિન્દુઓનું સૌથી મોટું તિર્થધામ બની રહેનારા અયોધ્યા રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ આગામી તારીખ ૨૨મી જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ યોજાઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્યાતિભવ્ય સમારોહમાં ફક્તને ફક્ત આમંત્રિતો જ ઉપસ્થિત થઇ શકશે. અયોધ્યા રામલલ્લાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે દેશના ખૂણેખૂણામાંથી ગણ્યમાન્ય વ્યક્તિઓ તેમજ રામ મંદિર નિર્માણ કાર્યમાં રૂ.૨૫ લાખ કે તેનાથી વધુનું દાન આપનારા દાતાઓને જ આમંત્રણ કાર્ડ પાઠવવામાં આવી રહ્યા છે.

Share This Article